(મિલાપ રૂપારેલ) Amreli, તા.2
અમરેલીના લીલીયા નજીક ગઈકાલે અકસ્માતે સર્જાતાં ત્રણના મોત નીપજ્યાં બાદ ગણતરીની કલાકો બાદ ફરી એકા વખત અમરેલી જિલ્લામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ઉપર જાફરાબાદ તાલુકાના ભટ્ટવદર ગામ નજીક નેશનલ હાઈવે પર બાઈક અને ટ્રક વચ્ચે થયેલા ભયાનક અથડામણમાં બે યુવાનોના કણ મોત નિપજ્યાં છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ બનાવમાં મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી રાત્રે એક બાઈક પર સવાર બે યુવાનો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ઉપર જાફરાબાદ તાલુકાના ભટ્ટવદર ગામ નજીક હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે જોરદાર અકસ્માત થવા પામેલ હતો.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, એક યુવાનનું તો ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બીજા યુવાનને તાત્કાલિક રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું.
આ બનાવમાં મૃતકોની ઓળખ નાગેશ્રી ગામના રમેશભાઈ સાંખટ અને મનુભાઈ સાંખટ તરીકે થઈ છે. બંનેના અકાળે નિધનથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ તંત્ર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, નેશનલ હાઈવે પર બોક્સ કલ્વર્ટનું કામ વર્ષોથી બાકી છે અને તેની જગ્યાએ માટીના પાળા બનાવવામાં આવ્યા છે. આ કારણે છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારમાં અનેક નાના-મોટા અકસ્માતો બની ચૂક્યા છે. સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કરતાં તાત્કાલિક યોગ્ય સુવિધા અને બોક્સ કલ્વર્ટનું કામ શરૂ કરવાની માંગ ઉઠાવી છે.
હાઈવે પર વારંવાર બનતા અકસ્માતો છતાં સંબંધિત વિભાગ નિંદ્રાધીન હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. લોકોના મતે સમયસર યોગ્ય કામગીરી કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. હાલમાં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

