Surendranagar, તા.5
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ તેમના પોલીસ પરિવાર સાથે હોળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે રંગો અને આનંદના માહોલ વચ્ચે સમગ્ર પોલીસ પરિવાર એકતાના રંગે રંગાઈ ગયો હતો.
જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ પરિવારોને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેઓ પોતે પણ પોલીસ પરિવાર સાથે રંગ ઉડાડતા અને નૃત્ય કરતા જોવા મળ્યા હતા, જેના કારણે વાતાવરણમાં અનેરો ઉત્સાહ છવાઈ ગયો હતો.
આ ઉજવણીમાં જિલ્લા પોલીસ વડા સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ એસઓજી અને એલસીબી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ મન મૂકીને હોળી રમી હતી. સૌએ પરસ્પર રંગ લગાવીને આનંદ વ્યક્ત કર્યો હતો.
હોળીના આ ઉત્સવ દરમિયાન મેઘધનુષ્ય જેવા રંગીન દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એકતા, પ્રેમ અને સૌહાર્દના રંગો ઝળહળતા જોવા મળ્યા હતા. પોલીસ સ્ટેશનો અને ફિલ્ડ પર સતત ફરજ બજાવતા પોલીસ જવાનો માટે આ દિવસ તણાવમુક્ત બનીને આનંદ માણવાનો હતો. હેડક્વાર્ટર ખાતે ડીજેના તાલે પોલીસ જવાનો ગરબા અને બોલીવુડના ગીતો પર મન મૂકીને નાચ્યા હતા. એસપી પ્રેમસુખ ડેલુ પણ પોતાની શિસ્તબદ્ધ છાપ છોડીને એક સામાન્ય નાગરિકની જેમ જવાનો સાથે ગરબે ઘૂમ્યા હતા, જે જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
ઉજવણી દરમિયાન એસપી પ્રેમસુખ ડેલુએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભલે હું મૂળ રાજસ્થાનનો છું, પણ હવે હું પૂરો ગુજરાતી બની ગયો છું. તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નાગરિકોને ધુળેટીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌને શાંતિપૂર્વક તેમજ ભાઈચારા સાથે આ તહેવાર ઉજવવા અપીલ કરી હતી.

