Surendranagar,તા.6
“પાટડી તાલુકાના જૈનાબાદ ગામે અગાઉની છેડતીનુ મનદુઃખ રાખી હુમલો કરાતા ત્રણ મહિલાઓ સહિત કુલ સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં અગાઉ છેડતી મામલે યુવાનને પાંચ વર્ષ ગામમાં ન આવવાનું સમાધાન કરવામાં આવ્યું હતું.
પાટડી તાલુકાના જૈનાબાદ ગામે રહેતા દિનેશભાઇ અરજણભાઈ મકવાણાએ જૈનાબાદ ગામના ગગાભાઈ અણદાભાઈ કોચાડીયા, ચિરાગભાઈ બબાભાઈ કોચાડીયા, કરશનભાઇ રેવાભાઈ કોચાડીયા, રજનીશભાઈ બબાભાઈ કોચાડીયા, રજનીભાઇ બબાભાઈ કોચાડીયાની પત્નિ, ગવરીબેન કરશનભાઇ કોચાડીયા અને મધુબેન બબાભાઈ કોચાડીયા વિરુદ્ધ દસાડા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ જૈનાબાદ ગામે રહેતા દિનેશભાઇ અરજણભાઈ મકવાણાની ભાણી સંજનાબેન ઘેર હાજર હતી.
એ સમયે આરોપી કરશનભાઇ રેવાભાઈના દીકરા વિશાલે નામ લીધું હતું. જે બાબતે નાત રિવાજે સમાધાન કરી વિશાલને પાંચ વર્ષ સુધી બહાર રહેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. છતાં વિશાલ અવારનવાર ગામમાં આવતો હતો.
જે બાબતે ઠપકો આપવાનું મનદુઃખ રાખી આરોપીઓએ એકસંપ કરી ધોકાઓ વડે ફરિયાદીના પરિવારજનો પર તૂટી પડી મૂંઢ મારી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઇજા પહોંચાડ્યાની ત્રણ મહિલાઓ સહીત કુલ સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા દસાડા પોલીસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

