Surendranagar, તા.6
પાટડીના પીપળીના એક શખસને તેની પત્નીનો ખરાબ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. 50,000 પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બે શખશો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. એકવાર બદનામીના ડરે રૂ. 50,000 આપ્યા બાદ વધુ રૂ. 50,000ની માંગણી કરવામાં આવી હતી.
પાટડી તાલુકાના પીપળી ગામના શખસે બિસ્મીલાખાન ભાણજીખાન મલેક અને મોહબતખાન દાદુખાન મલેક વિરુદ્ધ બજાણા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ આ બંને શખશોએ પત્નીનો અગાઉનો કોઈ ખરાબ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી પીપળી ગામના શખસે સમાજમાં બદનામી થવાના ડરે બે વખતમાં રૂ. 25000-25000 મળી કુલ રૂ. 50,000 આપ્યા હતા.
જે બાદ આ બંને શખશોએ ફરી રૂ. 50,000ની માંગણી કરી હતી. અને જો નહીં આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાની સાથે જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી પીપળીનો આ શખ્સ ગામ મૂકીને જતા રહ્યાં હતા.
બાદમાં એમણે ગામમાં આવીને પોતાના પરિવારજનો સાથે આ બંને શખ્શો વિરૂધ્ધ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી બંને આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.વાઘેલા ચલાવી રહ્યાં છે.

