Morbi, તા.12
મોરબીમાં દલવાડી સર્કલ પાસે વાડી વિસ્તારમાં રહેતી પરણીતાના ચરિત્ર ઉપર શંકા કરીને તેના પતિ, દિયર અને સસરા દ્વારા માર મારવામાં આવતા મહિલાએ એ ડિવિઝન ખાતે પતિ કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે. તો સસરાએ પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
દલવાડી સર્કલ પાસે આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા મનિષાબેન દિલીપભાઈ ડાભી (30)એ એ ડિવિઝન ખાતે સસરા દેવકરણભાઈ નારણભાઈ, પતિ દિલીપભાઈ દેવકણભાઈ અને દિયર જગદીશભાઈ દેવકણભાઈ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરિયાદીના ચરિત્ર ઉપર શંકા વહેમ કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને લોખંડના હથોડાના ઘા કરી ઈજા કરી હતી તથા માથાના વાળ ખેચીને ઇજાઓ કરી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જ્યારે સામાપક્ષેથી દેવકણભાઈ નારણભાઈ ડાભી (60)એ મનીષાબેન દિલીપભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, મનીષાબેન તેના દીકરાની વહુ છે અને બંને વચ્ચે છેલ્લા થોડા સમયથી અવારનવાર ઝઘડા થતા હોય ગઈકાલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો તેનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રસોઈ બનાવવાની તપેલી વડે હાથમાં માર મારીને ઇજા કરી હતી જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

