Morbi, તા.18
મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ યેશા ટાઈલ્સ પ્રા.લી. નામનું કારખાનું બંધ પડી ગયેલ હોય તે કારખાનું ચાલુ કરવા રૂપિયાની જરૂર હતી જેથી યુવાનને કંપનીમાં ભાગીદાર બનાવવાની વાત કરીને તેની પાસેથી રૂપિયા 1,19,55,708 વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કરતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
રવાપર ગામે કેપિટલ માર્કેટની સામેના ભાગમાં આવેલ ગોલ્ડન પેલેસ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 601 માં રહેતા જયેન્દ્રભાઈ અમૃતલાલ દલસાણીયા (43)એ હાલમાં યેશા ટાઈલ્સ પ્રા.લી.ના ડાયરેક્ટર રાજેન્દ્રકુમાર ચતુરભાઈ હાલપરા રહે. 502 ભગવતી ટીવીન્સ-બી સાનિધ્ય પાર્ક સોસાયટી રવાપર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે .
જેમાં જણાવ્યુ છે કે, આરોપીની યેશા ટાઈલ્સ પ્રા.લી. કંપની બંધ પડી ગઈ હતી જેને ચાલુ કરવા માટે થઈને આરોપીએ ફરિયાદીને કંપનીના ભાગીદાર બનાવવાની વાત કરી વિશ્ર્વાસમાં લઈને અલગ અલગ તારીખે કંપનીના ખાતામાં 18,50,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા તેમજ 15 લાખ રૂપિયા રોકડા આરોપીના કહેવાથી દીપકભાઈ આહીરને આપેલા હતા અને બાદમાં કંપની બંધ થઈ જતા ફરિયાદી આરોપી પાસેથી પૈસા પરત માગતા આરોપીએ કંપનીવાળી જગ્યાએ પ્લોટ પાડીને ફરિયાદીને પ્લોટ આપવાની વાત કરી હતી .
અને ફરિયાદીએ અગાઉ આપેલા રૂપિયા 33.50 લાખ તથા તેઓના સગા પાસેથી ઉધાર લઈને રોકડા 86,05,708 આપ્યા હતા. આમ કુલ મળીને 1,19,55,708 આરોપીએ લઈને ફરિયાદીને પ્લોટનો સોદાખત કરી આપી પ્લોટ બીજાને વેચાણ કરી આપ્યા છે અને ફરિયાદી સાથે સોદાખત કરેલા પ્લોટનો દસ્તાવેજ કરી આપેલ નથી અને તેને રૂપિયા પણ પરત આપેલ નથી. યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હોય ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

