Morbi , તા.18
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાન સાથે નાણાકીય લેવડદેવડના 13 લાખ લેવા માટે પાંચ શખ્સોએ કોસ અને હથોડી વડે માર મારી કારમાં અપહરણ કરીને જાંબુડીયા નજીક આવેલ કારખાનામાં લઇ ગયા હતા ત્યાં તેને મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે ગુના નોધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મહેન્દ્રનગર ગામે આવેલ ધર્મ મંગલ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ રાજેશભાઈ શેરસીયા (29)એ એ ડિવિઝન ખાતે ગીરીશભાઈ મગનભાઈ આખજા, રાજુભાઈ ઝાલા આહીર, ભરતભાઈ બાટી ગઢવી, અલ્તાફભાઈ જીવાણી અને ઇમરાન ઉર્ફે ગટી નામના પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે.
ગિરીશભાઈ સાથે તેઓને નાણાકીય લેવડ દેવડ હતી અને ફરિયાદી પાસેથી તેઓને 13 લાખ લેવાના હોય આરોપીઓ ક્રેટા ગાડી નંબર જીજે 36 એએફ 8771 લઈને મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ ગોકુલનગર તરફ જવાનો રસ્તા ઉપર મંડપ સર્વિસના ગોડાઉને આવ્યા હતા અને ત્યાં રાજુભાઈએ લોખંડની કોસ વડે તથા ઇમરાને હથોડી વડે અને ભરતભાઈ તથા અલ્તાફભાઈએ મુંઢ માર મારીને ફરિયાદીને ઇજાઓ કરી હતી.
અને બળજબરીપૂર્વક તેની પાસેથી રૂપિયા કઢાવવા માટે ફરિયાદીનું કારમાં અપહરણ કરીને જાંબુડીયા બાજુ આવેલ હિમાલયા કારખાનામાં લઈ જઈને ત્યાં ફરિયાદીનો મોબાઇલ પડાવી લીધો હતો અને તેને મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને પાંચ આરોપીઓને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

