Morbi, તા.19
મોરબીમાં રહેતા યુવાને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી 2 ટકાથી લઈને 10 ટકા સુધીના વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેની સામે લાખો રૂપિયા વ્યાજના ચૂકવ્યા હતા તેમ છતાં પણ યુવાન પાસેથી વ્યાજ તથા મૂડીની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી અને તેની દુકાન તથા મકાનનો અસલ દસ્તાવેજ પણ પડાવી લેવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના સનાળા ગામ પાસે આવેલ ધર્મલાભ સોસાયટીમાં રહેતા ધારેશભાઈ બચુભાઈ કેડ (40)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દેવશીભાઈ બીજલભાઇ વેરાણા રહે. મકાનસર, હર્ષદભાઈ પોલાભાઈ ટમારીયા રહે. બોડકા, મયુર ઉર્ફે દેવો દિલીપભાઈ કરોતરા રહે. રબારીવાસ મોરબી અને ભરતભાઈ હેમુભાઇ સોલંકી રહે. જીઆઇડીસી ના નાકા પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે.
જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીએ દેવશીભાઈ વેરાણા પાસેથી 30 લાખ રૂપિયા 5 ટકાના વ્યાજે લીધા હતા અને 18 લાખ વ્યાજ ચૂકવેલ છે, હર્ષદભાઈ પાસેથી 20 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા જેનું 16 લાખ રૂપિયા વ્યાજ ચૂકવેલ છે મયુરભાઈ પાસેથી 14 લાખ 2.5 ટકાના રૂપિયા લીધા હતા જેનું 4.22 લાખ રૂપિયા વ્યાજ ચૂકવેલ છે રમેશભાઈ પાસેથી 10 લાખ રૂપિયા 2 ટકાના વ્યાજે લીધેલા હતા જેનું 2.40 લાખ રૂપિયા વ્યાજ ચૂકવેલ છે અને ભરતભાઈ પાસેથી 5 લાખ રૂપિયા 3 ટકાના વ્યાજે લીધેલા હતા જેની સામે 90 હજાર રૂપિયા ચૂકવી આપેલ છે .
તેમ છતાં આરોપીઓ દ્વારા વ્યાજ અને મૂડીની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને વ્યાજ ન ચૂકવતા ફોન ઉપર ગાળા ગાળી કરી હતી અને હર્ષદભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે રમેશભાઈએ ફરિયાદીની દુકાન તથા ફરિયાદીના પત્નીનો મકાનનો અસલ દસ્તાવેજ કબજે કરી પાંચેય આરોપીઓએ ફરિયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને મોતનો ભય બતાવ્યો હતો જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 5 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

