Morbi, તા.19
હળવદના શક્તિનગર વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનું કામકાજ કરતા પ્રવીણભાઈ ગોવિંદભાઈ મર્યા (રબારી) નામનો 42 વર્ષનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર સ્કાય સીરામીક પાસે ટ્રક ખાલી કરવા માટે પહોંચ્યો હતો.ત્યાં ગઈકાલ તા.17-3 ના રાત્રીના તે અન્ય ટ્રક ડ્રાઇવરોની સાથે બેઠેલો હતો ત્યારે હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
યુવાન સારવારમાં
મોરબીના બાયપાસ રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા સંદીપભાઈ રમેશભાઈ ઝાલરીયાનું બાઈક અન્ય બાઈક સાથે અથડાતા સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલ નજીક બાઇકમાંથી પડી જતા સોનપાલ હરિસિંહ (36) રહે. પાવડીયારી જેતપર રોડને મોરબીને અત્રે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હળવદના ઘનશ્યામપુર ગામે રહેતા ઋત્વિક નંદલાલ કનજારિયાને બાઈક લઈને વાડીએ જતા ઢવાણા જવાના રસ્તે બાઇક સ્લીપ થતા સારવાર માટે આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
વૃદ્ધા સારવારમાં
હળવદના જીવુબેન કરમશીભાઈ જખાણીયા નામના 70 વર્ષના વૃદ્ધા બાઈકમાંથી પડી જતા તેમને અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે થાન ખાતે રહેતા વર્ષાબેન મંગળુભાઈ ખવડ નામના 37 વર્ષીય મહિલા બાઇકમાંથી પડી ગયા હોય મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
હળવદના ધનાળા ગામે રહેતા નૈરૂતભાઇ હસમુખભાઈ કંજારીયા નામનો 18 વર્ષનો યુવાન બાઈકમાં જતો હતો ત્યારે ચરાડવા હાઇવે ઉપર બાઈક સ્લીપ થતાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

