Russia, તા.30
વૈશ્વિક રાજકારણમાં હાલ ભારે હલચલ જોવા મળી રહી છે, કારણ કે ‘ત્રીજું વિશ્વયુદ્ધ’ છેડવાની ક્ષમતા ધરાવતું રશિયાનું એક વિશાળ જહાજ પોતાની મંજિલની અત્યંત નજીક પહોંચી ગયું છે. આશરે 7,30,000 બેરલ ક્રૂડ ઓઇલ લઈને જઈ રહેલા આ રશિયન ટેન્કરને રોકવામાં અમેરિકા પણ નિષ્ફળ સાબિત થયું હોય તેમ જણાય છે.
રિપોર્ટ્સ અનુસાર, રશિયન ધ્વજ ધરાવતું આ શિપ હવે ગમે તે ક્ષણે ક્યુબાના માતાન્ઝાસ બંદર પર લાંગરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ રશિયાનું એક ટેન્કર 6,50,000 બેરલ ઓઇલ લઈને સફળતાપૂર્વક ક્યુબાના દરિયાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરી ચૂક્યું છે.
આ ઘટના એટલા માટે ખાસ છે કારણ કે અમેરિકાએ જાન્યુઆરી મહિનાથી ક્યુબાની ચારેબાજુ ઓઇલ સપ્લાય પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણને કારણે ક્યુબામાં વીજળી અને ઈંધણની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે ત્યાંના લોકો અંધકારમાં જીવન વિતાવવા મજબૂર બન્યા છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે તે દેશોને પણ ધમકી આપી હતી જે ક્યુબાને ઈંધણ મોકલી રહ્યા હતા. જોકે, આ વખતે અમેરિકન કોસ્ટ ગાર્ડ પાસે જહાજ રોકવાની તક હતી, પરંતુ ઉપરથી કોઈ આદેશ ન મળતા રશિયન ટેન્કરને આગળ વધવા દેવામાં આવ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકા અત્યારે રશિયા સાથે સીધો ટકરાવ કરવા માંગતું નથી, કારણ કે તે પહેલાથી જ ઈરાન સાથેના સંઘર્ષમાં વ્યસ્ત છે.
રશિયાએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે ક્યુબાની સાથે મક્કમતાથી ઊભું છે. મેક્સિકોમાં રશિયાના દૂતાવાસે નિવેદન આપ્યું છે કે ક્યુબા પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો ખોટા છે અને રશિયા તેને દરેક રીતે મદદ કરવા તૈયાર છે
. આ ઓઇલની ખેપથી ક્યુબાને થોડા અઠવાડિયાની રાહત તો મળશે, પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ નથી. તેમ છતાં, રશિયાના આ પગલાએ ફરી એકવાર શીત યુદ્ધની યાદ અપાવી દીધી છે.

