Mumbai,તા.01
રવીન્દ્ર જાડેજા માટે IPL 2026માં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેનો મુકાબલો ખૂબ જ ભાવુક રહ્યો હતો. રાજસ્થાનની ગુલાબી જર્સીમાં મેદાન પર ઉતરેલા જાડેજાએ સ્વીકાર્યું કે ચેન્નાઈના ખેલાડીઓને ફરીથી મળવું તેમના માટે ખૂબ જ ભાવુક ક્ષણ હતી.
પરંતુ ગુવાહાટીમાં ચાહકોને MS ધોની અને જાડેજાનું જોરદાર બોન્ડિંગ જોવા મળ્યું ન હતું. જ્યારે જાડેજાને પૂછવામાં આવ્યું કે શું તેમણે ધોની સાથે વાત કરી હતી, તો તેમણે હસતા હસતા કહ્યું કે એવું શક્ય ન બન્યું કારણ કે માહી પોતાનો ફોન બંધ રાખે છે. તેને કહ્યું કે,-‘વાત નથી થઈ, કારણ કે માહી ભાઈ ફોન બંધ જ રાખે છે. પણ જ્યારે પણ હું માહી ભાઈને મળીશ ત્યારે ઘણી બધી વાતો કરીશ.’
ધોનીને લાંબા સમયથી એવો ખેલાડી માનવામાં આવે છે જે ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ફોનનો વધુ ઉપયોગ કરતો નથી, તે અવારનવાર ફોન બંધ રાખે છે. આ જ કારણ રહ્યું કે જાડેજાએ મેચ પહેલા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. રવીન્દ્ર જાડેજા 2008માં રાજસ્થાન રોયલ્સની પ્રથમ ચેમ્પિયન ટીમનો ભાગ હતો. ત્યારબાદ 2012માં તે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયો અને આગામી 12-13 વર્ષ સુધી ટીમના સૌથી મહત્વના ખેલાડીઓમાંથી એક બની રહ્યો.
જાડેજાએ કહ્યું કે, ‘મને ગુલાબી રંગ સારો લાગી રહ્યો છે. પીળો રંગ થોડો જૂનો લાગવા માંડ્યો હતો, પરંતુ હું મજાક કરી રહ્યો છું. દેખીતી રીતે જ CSK જેવી ફ્રેન્ચાઈઝી છોડવી, જ્યાં મેં 12-13 વર્ષ વિતાવ્યા, તે શરૂઆતમાં થોડું મુશ્કેલ હતું. તે ખૂબ જ ભાવુક હતું. પરંતુ મેં મારી જાતને કહ્યું કે આવા ફેરફારો પણ સફરનો એક ભાગ હોય છે.’સારી વાત એ છે કે હું હવે તે ટીમ સાથે છું, જ્યાં મેં મારુ પહેલું IPL ટાઈટલ જીત્યું હતું. એ યાદ હંમેશા મારી સાથે રહી છે કે અંડર-19 વર્લ્ડ કપ પછી મેં ત્યાંથી જ મારી IPL કારકિર્દી શરૂ કરી હતી અને પ્રથમ સિઝનમાં જ ટ્રોફી જીતી લીધી હતી. હું તે યાદોને મારી સાથે લઈને ચાલી રહ્યો છું અને નવા ગ્રુપ સાથે વધુમાં વધુ શીખવા માંગુ છું. સાથે જ મારો અનુભવ પણ ટીમ સાથે શેર કરવા માંગુ છું.’

