Ahmedabadતા.૪
નિકોલમાં લઘુમતી સમાજના યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના અંગેની જાણ બજરંગ દળને થતા પોલીસ મથકે મામલો ચકડોળે ચડ્યો હતો. આ મામલે પોલીસે સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર યુવકની પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. બીજીતરફ આરોપીએ તેનું અપહરણ કરીને માર મારનાર ચાર શખ્સો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે.
નિકોલમાં ૧૫ વર્ષીય સગીરા પરિવાર સાથે રહે છે. તે જ વિસ્તારમાં રહેતી વિધવા મહિલા સાથે મૈત્રીકરાર કરીને મુંબઇનો વકીલખાન પઠાણ રહેવા આવ્યો હતો. વિધવા મહિલાને અગાઉના પતિથી એક બાળક હોવાથી વકીલખાન બાળકને લઇને રમાડવાના બહાને નજીકમાં રહેતી સગીરાના ઘરે આવતો જતો હતો. જે બાદ યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. થોડા દિવસો પહેલા વકીલખાને સગીરાને ફોન કરી પોતાના જ બ્લોકમાં ઉપરના માળે રહેતા યુવકના ઘરે બોલાવી બાદમાં પ્રેમસંબંધની જાણ તેની માતાને કરી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. તે સગીરાને નિર્વસ્ત્ર થવાની ફરજ પાડતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તેણે વીડિયો કોલ, અભદ્ર ફોટા તથા સ્ક્રીન શોટ લઇ લીધા હતા.
બાદમાં સગીરાને ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર સંબંધ બાધવા દબાણ કરતો હતો. સગીરાની માતા વકીલખાનને ઠપકો આપવા જતા તેણે તેમની સાથે મારામારી કરી હતી. સગીરાની માતાએ તેના પરિચીત ગણેશનો સંપર્ક કરીને આરોપીને મેમ્કો ખાતે મળવા બોલાવ્યો હતો. ત્યાં ગણેશ વકીલખાનને માર મારીને નિકોલ પોલીસ સ્ટેશન લઇ ગયો હતો. આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તાઓને જાણ થતા મોટી સંખ્યામાં કાર્યકરો નિકોલ પોલીસ સ્ટેશન એકઠા થતા હોબાળો થયો હતો. સગીરાની માતાએ નિકોલ પોલીસે વકીલખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ આરોપી વકીલખાન પઠાણની ધરપકડ કરી છે. બીજી તરફ, આરોપી વકીલખાન પઠાણે પણ ચાર લોકોએ તેનું અપહરણ કરીને માર માર્યો હોવાની નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
