London તા.6
ગ્લોબલ વોર્મિંગ અને કલાયમેટ ચેન્જના કારણે એન્ટાર્ટીકામાં બરફ ઝડપથી પીગળી રહ્યો છે અને તેના કારણે આ ક્ષેત્રમાં હજારો ચોરસ કીલોમીટર જમીન ખુલ્લી થઈ છે તેમાં આગામી સમયમાં હવે આ ક્ષેત્રમાં ધરબાયેલા સોના-ચાંદી-તાંબુ અને લોખંડ સહિતના ધાતુઓ માટે એક નવી રેસ સર્જાય તેવી શકયતા છે.
વાસ્તવમાં આ ફકત ગ્લોબલ વોર્મિંગનો જ પ્રશ્ન નથી પણ નવી વૈશ્વિક લડાઈ પણ શરુ થઈ શકે છે. નેચરલ કલાઈમેટમાં પ્રસિદ્ધ થયેલા એક મહત્વપૂર્ણ અભ્યાસ મુજબ એન્ટાર્ટીકાની ભૂમિમાં
સોનુ-ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓનો મોટો ખજાનો છે અને 2300ના વર્ષ સુધીમાં 1.20 લાખ સ્કવેર કી.મી.ની જમીન બરફથી ખુલ્લી થઈ જશે અને તેથી ત્યાં કોનો હકક એ પ્રશ્ન પણ શરુ થશે. લાખો વર્ષ પહેલા એન્ટાર્ટીકાએ સુપર કોન્ટીનેટ ગોલ્ડાવનાનો એક ભાગ હતો અને તે ધાતુઓથી સમૃદ્ધ વિસ્તાર ગણાતો હતો.
આ ક્ષેત્રમાં આફ્રિકા, દ.અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની માફક જ કિંમતી ધાતુઓનો મોટો ખજાનો ધરબાયેલો પડયો છે અને તેથી ભવિષ્યમાં તે વિસ્તાર પર કબ્જા માટે મોટી લડાઈ છેડાશે તેવા સંકેત છે.
હાલના સંકેત મુજબ તેનાથી જે રાષ્ટ્રોને સીધો ફાયદો થશે તેમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ અને નોર્વેનો સમાવેશ થાય છે. હાલ એન્ટાર્ટીકામાં આંતરરાષ્ટ્રીય સમજુતી મુજબ કોઈપણ પ્રકારના ખોદકામ પર પ્રતિબંધ છે પણ ભવિષ્યમાં તે વિસ્તાર આકર્ષક બની શકે છે.

