(મિલાપ રૂપારેલ) Amreli, તા.8
અમરેલી જિલ્લાના ધારી ગામના પ્રેમપરા વિસ્તારમાં બનેલા ગંભીર માર્ગ અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ગત તા. 2 એપ્રિલે બનેલી આ ઘટનાના વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક કાર હવામાં ફંગોળાઈને ત્રણ ગુલાટી મારતી સ્પષ્ટ દેખાઈ રહી છે. જેમાં એક આશાસ્પદ યુવકનું મોત નિપજ્યાનું જાણવાં મળેલ છે.
આ બનાવમાં પ્રાપ્ત વિગતો મુજબ બગસરાના સાપર ગામેથી ધારી તરફ આવી રહેલી એક કાર ફુલ સ્પીડમાં હોવાને કારણે અચાનક નિયંત્રણ ગુમાવતા હવામાં ઉછળી ગઈ હતી અને માર્ગ પર અનેક ગુલાટો ખાધી હતી. ઘટનાની ભયાનકતા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જે જોઈને લોકો સ્તબ્ધ થઈ રહ્યા છે.
આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ મુસાફરો પૈકી ડ્રાઈવર સહિત એક યુવક ગંભીર રીતે ઇજા ગ્રસ્ત થયો હતો. જેને પ્રથમ ધારી અને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન કમલેશ સુદાણી નામના યુવકનું મોત નીપજ્યાનું જાણવાં મળ્યું હતું.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. ઓવરસ્પીડ અને બેદરકારીથી વાહન ચલાવવાના કારણે ફરી એકવાર જીવલેણ અકસ્માત બનતા ટ્રાફિક નિયમો અંગે સવાલો ઊભા થયા છે. જો કે આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાય નથી.

