Hyderabad,તા.10
તેલંગાણા હાઇકોર્ટે કોંગ્રેસના નેતા પવન ખેડાને મોટી રાહત આપતા એક અઠવાડિયા માટે આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પવન ખેડાએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના પત્ની પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેના પગલે આસામ પોલીસે પવન ખેડા સામે ગુનો નોંધ્યો હતો.
હાઇકોર્ટના જસ્ટિસ સુજાના કલાસિકમની બેન્ચે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, ખેડાને યોગ્ય કોર્ટમાં પોતાની અરજી રજૂ કરવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા આસામ પોલીસની એક ટીમ આ કેસની તપાસ માટે દિલ્હીમાં પવન ખેડાના ઘરે પણ ગઈ હતી, પરંતુ હાઇકોર્ટના આ આદેશથી હવે તેમને હાલ પૂરતી ધરપકડમાંથી સુરક્ષા મળી ગઈ છે.
કોંગ્રેસ નેતાએ 5 એપ્રિલના રોજ આક્ષેપ કર્યો હતો કે, મુખ્યમંત્રીના પત્ની રિંકી ભુયાન સરમા પાસે એકથી વધુ પાસપોર્ટ અને વિદેશી સંપત્તિ છે, જેની માહિતી મુખ્યમંત્રીએ તેમના ચૂંટણી સોગંદનામામાં જાહેર કરી નથી.

