ફિલ્મ ‘ધુરંધર ૨’એ ક્રિસ હેમ્સવર્થની ‘ક્રાઇમ ૧૦૧’ અને ઝેન્ડાયા ની ‘ધ ડ્રામા’ને પણ પાછળ છોડી
Mumbai, તા.૧૧
ભારતમાં બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવાની સાથે આદિત્ય ધરની સ્પાય ડ્રામા ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ વૈશ્વિક સ્તરે પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. ભારત અને નોર્થ અમેરિકા ખાતે મળેલી અદ્ભુત સફળતાએ ફિલ્મને આ વર્ષે વિશ્વની ટોપ ૧૦ સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોમાં સ્થાન અપાવ્યું છે.થિયેટરમાં ત્રીજું અઠવાડિયું પૂરું થવાનું છે, ત્યારે ‘ધુરંધર ૨’એ ભારતમાં ૧૦૦૦ કરોડથી વધુ નેટ અને ૧૨૪૬ કરોડ ગ્રોસ કમાણી કરી છે, જે હિન્દી ફિલ્મ માટે એક મોટો રેકોર્ડ છે. વિદેશમાં પણ ફિલ્મને સફળતા મળી છે, ભલે તે ગલ્ફ દેશોમાં રિલીઝ ન થઈ હોય. પરંતુ નોર્થ અમેરિકામાં ફિલ્મે ૨૬ મિલિયન ડૉલર અને અન્ય દેશોમાં ૧૫ મિલિયન ડૉલરથી વધુ કમાણી કરી છે. ગુરુવાર સુધી ફિલ્મની વૈશ્વિક કમાણી લગભગ ૧૭૮ મિલિયન ડૉલર સુધી પહોંચી છે. કેટલાક ટ્રેડના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ આંકડો ૧૮૦ મિલિયન ડૉલરથી પણ વધુ છે. આ આંકડાઓ સાથે ફિલ્મ ૨૦૨૬ની વિશ્વની ૧૦મી સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ બની છે. આ યાદીમાં ‘પ્રોજેક્ટ હેલ મેરી’, ‘ધ સુપર મારિયો ગેલેક્સી મૂવી’ અને ‘વુધરિંગ હાઇટ્સ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ગયા અઠવાડિયામાં ‘ધુરંધર ૨’એ ચાઇનીઝ એનિમેટેડ ફિલ્મ ‘બૂની બિયર્સઃ ધ હિડન પ્રોટેક્ટર’ (૧૩૯ મિલિયન ડૉલર)ને પાછળ છોડીને આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. બુધવાર સુધી ‘ધુરંધર ૨’એ વૈશ્વિક સ્તરે ૧૬૫૬ કરોડ રૂપિયા એટલે કે (૧૭૮ મિલિયન ડૉલર) કમાણી કરી છે. આ આંકડો ક્રિસ હેમ્સવર્થની ફિલ્મ ‘ક્રાઇમ ૧૦૧’ (૭૨ મિલિયન ડૉલર) કરતાં ઘણો વધારે છે. ફિલ્મે રેચલ મેકએડમ્સની ‘સેન્ડ હેલ્પ’ (૯૪ મિલિયન ડૉલર) અને રિઝ અહમદની ‘હેમ્લેટ’ (૭૮ મિલિયન ડૉલર)ને પણ પાછળ છોડી છે.ધુરંધર ૨ ફિલ્મે ઓપનિંગ વીકએન્ડમાં જ ૮૦ મિલિયન ડૉલરથી વધુ કમાણી કરી હતી, જે ઝેન્ડાયા અને રોબર્ટ પેટિનસનની ફિલ્મ ‘ધ ડ્રામા’ (૨૬ મિલિયન ડૉલર) કરતાં ત્રણ ગણી વધુ છે. હકીકતમાં, નોર્થ અમેરિકામાં ‘ધુરંધર ૨’ની ૧૫ મિલિયન ડૉલરની શરૂઆતની કમાણી ‘ધ ડ્રામા’ની કુલ કમાણી કરતાં પણ વધારે છે.

