New Delhi, તા.16
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ઈરાનથી આશરે 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલ (કાચું તેલ) ભરીને એક મોટું જહાજ ગુજરાતના બંદરે આવી પહોંચ્યું હતું.
જોકે, ભારતીય રિફાઇનરીઓએ આ તેલ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ જહાજ કોણે મંગાવ્યું, તેલ કોણે ખરીદ્યું છે અને તેના દસ્તાવેજો શું છે, તેવી કોઈ જ સત્તાવાર માહિતી ન હોવાથી તેમજ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવાથી ભારતે આ તેલ લેવાનો ઇનકાર કરી દીધો હતો અને જહાજને પાછુ કાઢવામાં આવ્યું હતું.
હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની અછત વર્તાઈ રહી છે. આ બધાની વચ્ચે, કોઈને પણ જાણ કર્યા વિના ઈરાનથી 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલ લઈને એક મોટું જહાજ અચાનક ગુજરાત પહોંચી ગયું.
ભારતની કોઈપણ રિફાઇનરી આ ઓઈલ ટેન્કરનો સ્વીકાર કરવાની નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે આટલું બધું તેલ કોણે ખરીદ્યું છે અને તે ક્યાંથી મોકલવામાં આવ્યું છે, તે અંગે કોઈની પણ પાસે સત્તાવાર માહિતી કે સ્પષ્ટતા નથી.
ભારતે આ તેલ ન સ્વીકારવા પાછળનું બીજું અને સૌથી મોટું કારણ અમેરિકાના પ્રતિબંધો છે. મંગળવારે ગુજરાતના બંદરે પહોંચેલા આ `વેરી લાર્જ ક્રૂડ કેરિયર’ (VLCC) જહાજનું નામ `ડેર્યા’ છે. શિપ ટ્રેકિંગ ડેટા આપતી એજન્સી `કેપ્લર’ (Kpler) ના રિપોર્ટ મુજબ, આ ટેન્કરમાં 28 માર્ચના રોજ ઈરાની ક્રૂડ ઓઈલ ભરવામાં આવ્યું હતું. અહીં જ સૌથી મોટી સમસ્યા ઊભી થઈ છે.
અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ તેમાંથી થોડી છૂટછાટ આપતા એવી શરત રાખી હતી કે 20 માર્ચ પહેલા ટેન્કરોમાં ભરેલા ઈરાની તેલનું જ વેચાણ કરી શકાશે.
આ જહાજમાં 28 માર્ચે તેલ ભરવામાં આવ્યું હોવાથી, તેણે અમેરિકા દ્વારા અપાયેલી છૂટછાટની સમયમર્યાદા વટાવી દીધી છે. આથી, જો ભારત આ તેલ સ્વીકારે તો અમેરિકન નિયમોનો ભંગ થાય તેમ છે, જેના કારણે આ જહાજને સ્વીકારવામાં આવ્યું નથી.

