Rajkot,તા.૧
સોશિયલ મીડિયા દ્વારા થયેલી ઓળખાણ અને ત્યારબાદના સંબંધો એક હત્યાના ગંભીર બનાવમાં પરિણમ્યા હોવાનું સામે આવ્યું છે. શાપર-વેરાવળ પોલીસે હત્યાના કેસનો ભેદ ઉકેલી આરોપી પિયુષની સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપી પિયુષનો સોશિયલ મીડિયા મારફતે એક વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો, જે સોશિયલ મીડિયા પર પોતાને ’નિશાકુમારી’ અને ’પૂજા’ નામથી યુવતી તરીકે રજૂ કરતો હતો. બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ સંબંધ બંધાયો અને બાદમાં લગ્ન પણ થયા.તપાસમાં જાણવા મળ્યું છે કે લગ્ન બાદ પિયુષને ખબર પડી કે જેના સાથે તેણે લગ્ન કર્યા હતા તે ચંદનકુમાર નામનો યુવક હતો. આ હકીકત સામે આવતા બંને વચ્ચે વિવાદ સર્જાયો અને પિયુષે સંબંધો સમાપ્ત કરી દીધા.
પોલીસના જણાવ્યા અનુસાર, સંબંધ તૂટી ગયા બાદ પણ ચંદનકુમાર પિયુષ પર સંબંધ જાળવી રાખવા માટે સતત દબાણ કરતો હતો. આ બાબતે બંને વચ્ચે અનેક વખત તકરાર થઈ હતી. અંતે વારંવારના વિવાદ અને ત્રાસથી કંટાળી પિયુષે ચંદનકુમારની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
શાપર-વેરાવળ પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારી હતી. ટેક્નિકલ અને અન્ય પુરાવાઓના આધારે આરોપી પિયુષને ઝડપી પાડવામાં આવ્યો છે. આ બાબતે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, પોલીસ હાલ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે ઘટનાના તમામ પાસાઓની તપાસ બાદ જ અંતિમ વિગતો સ્પષ્ટ થશે. આ ઘટના સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધતી વખતે સતર્ક રહેવાની જરૂરિયાત પર ફરી એકવાર પ્રકાશ પાડે છે.

