સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા
Ahmedabad, તા.૧૮
ગુજરાતમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. પરંતુ આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે લોકોને ડબલ ઋતુનો માર સહન કરવા તૈયાર રહેવાની ચેતવણી આપી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે કાલથી સળંગ ૩ દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું (કમોસમી વરસાદ) પડવાની આગાહી કરવામાં આવી છે. એક તરફ ભયંકર ગરમી અને બીજી તરફ વરસાદની આગાહીના કારણે લોકો અને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અલગ-અલગ તારીખો પર રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છેઃ
૧૯ એપ્રિલઃ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તેમજ મધ્ય ગુજરાતના મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે.
૨૦ એપ્રિલઃ અમરેલી અને ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
૨૧ એપ્રિલઃ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી છે.
માવઠાની આગાહી વચ્ચે પણ રાજ્યમાં ગરમીનું જોર જરાય ઘટ્યું નથી. આજના તાપમાનના આંકડા પર નજર કરીએ તો સુરેન્દ્રનગર શહેર રાજ્યમાં સૌથી વધુ ગરમ રહ્યું હતું, જ્યાં તાપમાન ૪૧.૨ ડિગ્રી નોંધાયું છે.
અમદાવાદ અને રાજકોટમાં પણ લોકો કાળઝાળ ગરમીથી શેકાયા હતા અને ત્યાં ગરમીનો પારો ૪૦.૯ ડિગ્રી પર પહોંચ્યો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે અમદાવાદમાં તાપમાન હજુ વધીને ૪૨ ડિગ્રી સુધી જઈ શકે છે. આ ઉપરાંત, પાટનગર ગાંધીનગર અને વલ્લભવિદ્યાનગરમાં ૪૦.૫ ડિગ્રી ગરમી નોંધાઈ છે. કચ્છના ભુજમાં ૪૦.૪ ડિગ્રી, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને કેશોદમાં તાપમાન ૪૦.૩ ડિગ્રી નોંધાયું હતું. મધ્ય ગુજરાતના વડોદરામાં ૩૯.૮ ડિગ્રી અને ભાવનગરમાં તાપમાનનો પારો ૩૯.૨ ડિગ્રી પર રહ્યો હતો.

