Mumbai,તા.18
ભારતીય મહિલા ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ટી ૨૦ શ્રેણીની પહેલી મેચ ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જે દક્ષિણ આફ્રિકાએ ૬ વિકેટથી જીતી હતી. આ મેચમાં સ્મૃતિ મંધાના માત્ર ૧૩ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, જેનાથી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો હતો. તે હવે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં (પુરુષો અને મહિલા) ભારતની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. અગાઉ, આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માના નામે હતો. ડરબનમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા, ભારતે ૧૫૭ રન બનાવ્યા. યજમાન દક્ષિણ આફ્રિકાએ ૧૯.૧ ઓવરમાં લક્ષ્યનો પીછો કરીને શ્રેણીમાં ૧-૦ ની લીડ મેળવી.
રોહિત શર્માની વાત કરીએ તો, ૨૦૧૪ માં ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યા પછી તેણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. નિવૃત્તિ લેતા પહેલા, રોહિતે ૧૫૯ મેચોમાં ૪૨૩૧ રન બનાવ્યા હતા, જેમાં ૫ સદી અને ૩૨ અડધી સદીનો સમાવેશ થાય છે. મંધાનાએ હવે તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ૧૬૧ ટી ૨૦ મેચોમાં, સ્મૃતિ મંધાનાએ ૩૦.૫૩ ની સરેરાશ અને ૧૨૪.૪૫ ના સ્ટ્રાઇક રેટથી ૪૨૪૪ રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ૩૩ અડધી સદીનો સમાવેશ થાય છે. મંધાનાએ આ બધા રન ૧૨૪.૪૫ ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે.
મહિલા ટી૨૦ માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ મંધાના ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ પછી બીજા ક્રમે છે. બેટ્સે પોતાની કારકિર્દીમાં ૧૮૧ મેચમાં ૪૭૧૭ રન બનાવ્યા છે. ૧૬૧ મેચમાં ૪૨૪૪ રન બનાવ્યા છે, તે આ યાદીમાં બીજા ક્રમે છે. ટીમ ઇન્ડિયાની હરમનપ્રીત કૌર ત્રીજા ક્રમે છે, તેણે અત્યાર સુધી ૧૯૧ મેચમાં ૩૮૬૯ રન બનાવ્યા છે. શ્રીલંકાની ચમારી અથાપટ્ટુ યાદીમાં ચોથા ક્રમે છે. તેણે ૧૫૪ મેચમાં ૩૬૩૭ રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડની સોફી ડિવાઇન ૧૫૧ મેચમાં ૩૫૮૭ રન બનાવ્યા છે, તે આ યાદીમાં પાંચમા ક્રમે છે.
મેચની વાત કરીએ તો, ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ભારત નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ફક્ત ૧૫૭ રન જ બનાવી શક્યું. મંધાનાના વહેલા આઉટ થયા પછી, શેફાલી વર્માએ ૨૦ બોલમાં ૩૪ રન બનાવ્યા, જ્યારે જેમીમા રોડ્રિગ્સે ૩૬ રન બનાવ્યા. ચોથા નંબર પર બેટિંગ કરતી વખતે, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ૪૭ રન બનાવ્યા અને અંત સુધી અણનમ રહી. ૧૫૮ રનના લક્ષ્યનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકાની ઓપનિંગ બેટ્સમેન અને કેપ્ટન લૌરા વોલ્વાર્ડટે અડધી સદી ફટકારી, ૩૯ બોલમાં ૫૧ રન બનાવ્યા. એનેરી ડર્કસેનના ૪૪ રનથી ટીમને જીત મળી. શ્રેણીની બીજી ્૨૦ મેચ ૧૯ એપ્રિલે આ જ સ્થળે રમાશે.

