Bhavnagar,તા.21
ભાવનગર મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ સ્થિતિ વચ્ચે, ગત ચૂંટણીના પરિણામો પર નજર નાખતા કોંગ્રેસના નબળા દેખાવ અને ભાજપના મજબૂત પ્રભુત્વની વિગતો સામે આવી રહી છે.
મહાનગરપાલિકામાં છેલ્લા આશરે 30 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે. ગત 2021ની ચૂંટણીના આંકડાકીય વિશ્લેષણ મુજબ, કુલ 13 વોર્ડમાં ભાજપની 10 પેનલ વિજેતા બની હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 1 પેનલ જીતી શકી હતી. વોર્ડ મુજબ બેઠકોની વાત કરીએ તો, ભાજપને 44 બેઠકો મળી હતી, જેની સામે કોંગ્રેસ માત્ર 8 બેઠકો પર જ સમેટાઈ ગઈ હતી.
ચૂંટણી પરિણામો મુજબ, વોર્ડ નં. 1 (ચિત્રા-ફુલસર-નારી)માં ભાજપને 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી. જ્યારે વોર્ડ નં. 9 (બોરતળાવ)માં કોંગ્રેસને 3 અને ભાજપને 1 બેઠક મળી હતી.
આ બે વોર્ડને બાદ કરતા બાકીના તમામ વોર્ડમાં ભાજપની પેનલોનો વિજય થયો હતો. આ સિવાય, વોર્ડ નં. 5 (ઉત્તર કૃષ્ણનગર-રૂવા)માં કોંગ્રેસની પેનલ જીતી હતી, જે તેમના ગઢ સમાન ગણાય છે.
2016ની મહાનગરપાલિકાની ચૂંટણી સાથે સરખામણી કરતા સ્પષ્ટ થાય છે કે, તે સમયે ભાજપને 38 અને કોંગ્રેસને 18 બેઠકો મળી હતી. તે સમયે વિપક્ષ તરીકે કોંગ્રેસની સ્થિતિ પ્રમાણમાં મજબૂત હતી.
જો કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકોમાં નોંધપાત્ર ઘટાડો થતા તેમની રાજકીય પકડ નબળી પડી છે. હાલમાં, આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ કેવો દેખાવ કરે છે અને મતદારો કોના પક્ષમાં જનાદેશ આપે છે, તે જોવું રસપ્રદ રહેશે.

