Bhavnagar તા.22
રવિવારે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાવનગર પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર પોલીસે છેલ્લા 20 દિવસમાં ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી છે. આ સમયગાળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાના ભંગની આશંકાએ 4921થી વધુ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં શહેરના ચાર અને મહુવાના એક મળી કુલ 5 શખ્સોને પાસા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે શહેર અને વરતેજ વિસ્તારમાં 23 જેટલા સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણી દરમિયાન સુરક્ષા માટે ત્રિ-સ્તરીય બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને 1000થી વધુ પોલીસ જવાનો ફરજ પર તૈનાત રહેશે.
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચેકપોસ્ટ ઉભી કરીને વાહનો અને શંકાસ્પદ વ્યક્તિઓનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને: મહુવા: માઢીયા અને ખુંટવડામાં આસરાણા ચોકડી,ગારિયાધાર: નાની વાવડી,વેળાવદર, (ભાલ): અધેલાઈ ચોકડી,ઘોઘા: ઘોઘા મરીન વિસ્તાર,વલ્લભીપુર: કેરીયાના ઢાળ,ઉમરાળા: રંઘોળા ચોકડી આ તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને પોતાના સ્ટાફ સાથે સતત પેટ્રોલિંગ કરવા અને હિસ્ટ્રીશીટરો પર બાજ નજર રાખવા આદેશ આપવામાં આવ્યા છે. પોલીસની આ આક્રમક કામગીરીને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

