Bhavnagar તા.22
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઈશ્વરિયા પાસે ખાણમાં પાણીમાં ડૂબતાં આંબલા ગામના ગુમ થયેલ થયેલ યુવાનનો બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો છે. સિહોર તાલુકા વહીવટી તંત્ર અને ભાવનગર આપાતકાલીન ટુકડી દ્વારા બે દિવસ દરમિયાન જહેમત ઉઠાવાયેલ.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનાં આંબલા ગામના યુવાનો ઈશ્વરિયા ગામના ઈશ્વરપુર વિસ્તારમાં ખાણમાં ભરાયેલા પાણીમાં ન્હાવા માટે ગયાં હતાં. સોમવારે બપોરે આ યુવાનો ન્હાવા ગયાં બાદ ઉપર ભેખડ પરથી કૂદકો મારતાં હરેશભાઈ ડાભી નામના 35 વર્ષીય પરણિત યુવક બહાર આવી ન શકતાં ડૂબી જવા પામેલ.
આ ઘટનાની જાણ થતાં મામલતદાર સતીશભાઈ જાબુચા અને અન્ય કર્મચારીઓ અગ્રણીઓ દોડી ગયાં હતાં. આ સાથે સિહોર અને ભાવનગરથી બચાવ ટુકડીઓ પણ ઘટના સ્થળે પહોંચેલ પરંતુ સાંજ સુધી ગુમ થયેલ યુવકની ભાળ મળી ન હતી.
બીજા દિવસે ભાવનગર મહાનગરપાલિકા અગ્નિશમન અને આપાતકાલીન બચાવ ટુકડી દ્વારા સંબંધિત ઉપકરણો અને નાવ સાથે સવારથી શોધખોળ માટે જહેમત ઉઠાવાઈ હતી, જે દરમિયાન આગલા દિવસે ન્હાવા પડેલાં આ યુવકનો મૃતદેહ બે દિવસની જહેમત બાદ હાથ આવ્યો હતો, જેને આગળની કાર્યવાહી માટે સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે.

