Madhya Pradesh,તા.30
અત્રે શ્રમિકોથી ભરેલી એક પિકઅપ વાન પલટી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 15 જેટલા શ્રમિકોના કમકમાટીભર્યા મોત થયા છે, જયારે 13 લોકો ઘાયલ થયા છે.
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બુધવારની રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ચીકલિયા સ્થિત રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે શ્રમિકોથી ભરેલી એક પિકઅપ વાન અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ હતી. જેમાં 15 લોકોના મોત થયા છે.પ્રાથમિક માહિતી મુજબ મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ છે. સ્કોર્પિયોને પણ ટક્કર મારી હતી, અકસ્માત બાદ વિસ્તારમાં બૂમાબૂમ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સાંજે લગભગ રાત્રે 8ઃ30 વાગ્યાએ ઘટી હતી.
જાણકારી અનુસાર, પિકઅપ વાહનમાં ક્ષમતા કરતા વધુ અંદાજે 30 થી 35 શ્રમિકો સવાર હતા. જે બાદ ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, વાહન અચાનક પલટી જવાથી ઘણા લોકો તેની નીચે દબાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ અનેક લોકોના મોત નીપજ્યા હતા.અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
15ના મોત ઉપરાંત આ ભીષણ અકસ્માતમાં 13 મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જિલ્લા હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તો પૈકી અનેકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ડોક્ટરોની ટીમ સતત તેમની સારવાર કરી રહી છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

