અજાણ્યા સહીત પાંચ ઈસમો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
Morbi તા.૧૧ઃ
મોરબી પંથકમાં કાયદાનું કોઈ અસ્તિત્વ રહ્યું ના હોય તેમ અસામાજિક તત્વો બેફામ બની ગયા છે ગત રાત્રીના મોરબી માળિયા હાઈવે પરની હોટેલ ખાતે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં જુદી જુદી કારમાં આવેલ પાંચ ઇસમોએ બે બંદુક વડે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે પોલીસે અજાણ્યા ઇસમ સહીત પાંચ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે
મોરબીના વિસીપરા કુલીનગર ૧ના રહેવાસી શાહરૂખ ફિરોજ ઉસ્માન પઠાણ (ઉ.વ.૩૨) વાળાએ આરોપીઓ સાજીદ સાઉદીન જેડા, નુરમામદ જેડા, સમીર જેડા, બચલો જેડા રહે બધા મોરબી અને સ્વીફ્ટ કારમાં આવેલ અજાણ્યો ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી શાહરૂખને આરોપી સાજીદ જેડા સાથે પંદર-વીસ દિવસ અગાઉ માથાકૂટ થઇ હતી જેનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદી અને તેની સાથે રહેલા વ્યક્તિઓને મારી નાખવાના ઈરાદે હાઈવે પર સ્કોર્પીઓ, સ્વીફ્ટ અને કિયા કારમાં આવી સાજીદ જેડાએ એક રાઉન્ડ અને નુરમામદ જેડાએ બે રાઉન્ડ વારાફરતી બંદુક જેવા હથિયાર વડે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું જેમાં ફરિયાદી શાહરૂખ, અલીભાઈ અને સલીમભાઈને ઈજા પહોંચાડી મારી નાખવાની કોશિશ કરી હતી
ગત તા. ૧૦ ના રાત્રીના સાડા અગિયાર વાગ્યે ફરિયાદી શાહરૂખ, તેનો મિત્ર આમદ કાસમ કટિયા સાથે મિત્ર મેહુલ આચાર્યની આઈ ૨૦ કારમાં બોલાવી પરત ઘરે આવતો હતો ત્યારે સાજીદ સાઉદીન જેડાના મોબાઈલમાંથી ફોન આવ્યો અને મને મારવાની કોણ વાત કરે કહેતા આવી ખોટી વાત મારાથી ન કર કહેતા ફોન કાપી નાખ્યો હતો ફરી ફોન આવ્યો અને માં-બેન ઉપર ગાળો બોલવા લાગ્યો હતો જેથી સાથે રહેલા આમદભાઈએ ફોન લઈને સાજીદ જેડા સાથે વાત કરવા લાગ્યો અને શું મેટર છે તું શું કામ ફોન કરી શાહરૂખને ગાળો આપે છે કહેતા સાજીદે તું ફોન શાહરૂખને આપ મને તારી સાથે વાત કરવી નથી હું શાહરૂખને ભડાકે દેવાનો છું તું ક્યાં સુધી તેની સાથે રહીને તેને બચાવીશ તેવી વાત કરી આમદને પણ ભૂંડી ગાળો આપી હતી
અને પૂછ્યું કે તમે બંને ક્યાં છો હું આવું છું જો તમે બંને એક બાપની ઓલાદ હોય તો ક્યાં છો તે જણાવો જેથી આમદભાઈએ સાજીદને જણાવ્યું કે અમે મોરબી માળિયા રોડ પર ટીંબડી પાટિયાથી આગળ ઓસીસ સિરામિક સામે બાલાજી હોટેલ પાસે ઉભા છીએ તું આવી જ જે વાતચીતની હકીકત આમદે જણાવતા ફરિયાદીએ તુરંત મિત્ર વીર હિતેશ રાઠોડને ફોન કરી જાણ કરતા તે થોડીવારમાં પોતાની થાર ગાડી લઈને આવ્યો હતો અને મિત્ર આમદભાઈએ તેના સગા ભાઈ અલી કાસમ કટિયાને બોલાવતા વિસીપરાથી તેની ઇકો ગાડીમાં આવ્યો હતો ફરિયાદી અને સાજીદ વચ્ચે બોલાચાલીની વાત વિસીપરાના છોકરાઓને જાણવા મળતા વિસીપરાના પાંચ-છ છોકરાઓ પોતાની બાઈક લઈને તેમજ ફરિયાદીનો નાનો ભાઈ સળી પણ ટીંબડી પાટિયા પાસે બાલાજી હોટેલ આવી ગયો હતો
સાડા બારેક વાગ્યે સાજીદ સ્કોર્પીઓ ગાડીમાં આવ્યો અને બીજી સફેદ કલરની કિયા ગાડી અને એક સ્વીફ્ટ ગાડી આવી જે ગાડીમાંથી સાજીદ, નુર મામદ જેડા, સમીર જેડા, બચલો સાઉદીન જેડા અને અજાણ્યો ઇસમ આવ્યા હતા સાજીદ જેડાએ પોતાની ગાડીના આગળના ભાગેથી બંદુકમાંથી મારી નાખવાના ઈરાદે ફરિયાદી શાહરૂખ તરફ એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું જે ફાયરીંગના છરા સાથે રહેલા અલીભાઈના માથાના ભાગે વાગતા તે પડી ગયા હતા અને ગાડી ભગાવી હતી અને આગળથી યુ ટર્ન પાછા આવ્યા અને નુરમામદે બંદુ વડે અમારા તરફ મારી નાખવાના ઈરાદે બે રાઉન્ડ ફાયરીંગ કરતા ગોળીના છરા ફરિયાદી શાહરૂખને પેટના ભાગે અને ભાઈ સલીમને શરીરના છાતીના ભાગે લાગ્યા હતા જે ફાયરીંગ બનાવમાં ફરિયાદી તેમજ અલીભાઈ કટિયા અને નાના ભાઈ સલીમ પઠાણને ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા મોરબી તાલુકા પોલીસે પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

