Rajkot, તા.14
રાજકોટમાં આવકવેરા વિભાગે નવા નાણાંકીય વર્ષમાં પ્રથમ સ્પોટ વેરીફીકેશન સર્વે હાથ ધર્યો છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલા અર્જુન જ્વેલર્સને નિશાન બનાવવામાં આવ્યું હતું.
આવકવેરા વિભાગના ટોચના સૂત્રોના કહેવા પ્રમાણે ઇન્વેસ્ટીગેશન અને ક્રિમીનલ વિંગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓની ટીમ ત્રાટકી હતી અને હિસાબી સરવૈયા-સ્ટોક વેરીફિકેશન વગેરે કાર્યવાહી કરવામાં આવી હતી.
સૂત્રોએ એવી માહિતી આપી છે કે રેન્જ અને ઇન્વેસ્ટીગેશન સિવાયની આ વિંગ દ્વારા કાર્યવાહી થઇ છે. જે ચોક્કસ બાતમીના આધારે સ્પોટ વેરીફિકેશન ઓપરેશન હાથ ધરતું હોય છે.
સોના-ચાંદીના ભાવોમાં છેલ્લા મહિનાઓમાં મોટી ઉથલપાથલ થઇ હતી. ઉપરાંત સરકાર દ્વારા ગઇકાલે આયાત જકાતમાં ધરખમ વધારો કરાતા ભાવમાં જોરદાર તેજી થઇ હતી.
આ ઘટનાક્રમ વચ્ચે આવકવેરા વિભાગે જ્વેલર્સ પર સર્વે હાથ ધરતાં રાજકોટના ઝવેરી બજારમાં ખળભળાટ સર્જાયો છે. સર્વે ઓપરેશન ટેક્સચોરીના ભાગરૂપે કે અન્ય કોઇ કારણોસર તે વિશે અનેકવિધ તર્ક-વિતર્ક થઇ રહ્યા છે.
વેપારીઓના કહેવા પ્રમાણે ભાવની ઉથલપાથલ વચ્ચે ડીમાંડની દ્રષ્ટિએ માર્કેટમાં મંદી છે તેવા સમયે સરકારી તપાસથી ફફડાટ છે.

