Mumbai તા,14
મુંબઇ શેરબજારમાં આજે તેજીની રોનક છવાઇ હતી. હેવીવેઇટ-મીડકેપ સહિત તમામ ક્ષેત્રના શેરોમાં ઓલરાઉન્ડ લેવાલીથી સેન્સેક્સમાં 1000 પોઇન્ટથી વધુનો ઉછાળો નોંધાયો હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ જ રહેવા સાથે વધુ તૂટ્યો હતો.
અમેરિકા-ઇરાન યુધ્ધની અર્થતંત્ર પર સંભવિત ખરાબ અસરને પહોંચી વળવા સરકારે ધડાધડ નિર્ણયો લેવાનું શરૂ કરી દેતા આર્થિક સંકટ કે મંદીની નોબત નહીં આવે અને આર્થિક વિકાસના ટારગેટને હાંસલ કરી શકાશે તેવી અટકળોથી રાહત થઇ હતી.
આ આશાવાદ હેઠળ શેરબજારમાં ઓલરાઉન્ડ લેવાલી નીકળી હતી. જો કે, નબળા રૂપિયા, વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી તથા વધતા ફુગાવા-મોંઘવારીનો ખચકાટ હતો છતાં આ ઘટનાક્રમ કામચલાઉ હોવાની ગણતરીએ ડીસ્કાઉન્ટ કરી દેવાયા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટ્રેન્ડ પોઝીટીવ બની રહ્યો હોવા છતાં અસ્પષ્ટ હોવાને કારણે અનિશ્ચિતતા રહી શકે છે.
શેરબજારમાં આજે અદાણી એન્ટરપ્રાઇઝ, સીપ્લા, ઝાયડસ લાઇફ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, વોડાફોન, યસ બેંક, વેદાંતા, સુઝલોન, બીએસઇ, આરઆર કેબલ, પતંજલી, ટાટા કેપિટલ ઉંચકાયા હતા. ટયુબ ઇન્વેસ્ટમેન્ટ, એલઆઇસી હાઉસીંગ, ઇન્ફોસીસ, બીરલા સોફટ, વારી એનર્જી જેવા શેરો નબળા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 950 પોઇન્ટના ઉછાળાથી 75559 હતો તે ઉંચામાં 75681 તથા નીચામાં 74526 હતો. નિફટી 325 વધીને 23738 હતો તે ઉંચામાં 23777 તથા નીચામાં 23426 હતો.
કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રુપિયો 95.91ના તળીયેથી આંશિક રિકવર થયો હતો અને 95.75 સાંપડ્યો હતો. ચાલુ સપ્તાહમાં તેમાં 1.4 ટકાનો ઘટાડો હતો. દરમિયાન સોના-ચાંદીમાં વધઘટ ધીમી પડી હતી. વિશ્વબજારમાં સોનુ સામાન્ય ઘટીને 4694 ડોલર હતું. વાયદામાં 162085ના સ્તરે સ્થિર હતું. જ્યારે હાજર સોનુ 900ના ઉછાળાથી 566200 હતું. હાજર ચાંદી 294550 હતી.

