Madhya Pradesh, તા.14
મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં ગુરુવારે સવારે એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરાઈ છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના સવારે લગભગ 11ઃ30 વાગ્યે જિલ્લાના ટોંક કલાન વિસ્તારમાં ઘટી હતી.
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાના ફોટો અને વીડિયોમાં જોઈ શકાય છે કે સ્થાનિક લોકો ઘાયલોને પોતાના હાથમાં ઉઠાવીને ફેક્ટરી સાઈટથી દૂર લઈ જઈ રહ્યા હતા અને મદદ કરી રહ્યા હતા.
ઘટનાની જાણ થતા જ પોલીસ, સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

