New Delhi,તા,14
ટૂંક સમયમાં ઈપીએફઓ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા વધુ સરળ બની જશે. ઈપીએફઓ ફાઈનલ ક્લેમને સેટલ કરવાની પ્રક્રિયા ઓટોમેટિક કરવાની તૈયારીમાં છે. આનાથી અરજદારના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ઝડપી બનશે અને નોકરી છોડતાની સાથે જ ખાતામાં પીએફના પૈસા આવી જશે.
વર્તમાનમાં 5 લાખ રૂપિયા સુધીના આંશિક અથવા એડવાન્સ ક્લેમનું સેટલમેન્ટ ઓટોમેટિક રીતે કરવામાં આવે છે. આ માટેની સમયમર્યાદા, ક્લેમ દાખલ કરવાની તારીખથી ત્રણ દિવસની છે. હવે આ સુવિધાને ફાઈનલ સેટલમેન્ટ સુધી વધારવામાં આવી રહી છે.
જ્યારે કોઈ વ્યક્તિ નોકરી છોડે છે અને પોતાની પૂરેપૂરી ઈપીએફ રકમ ઉપાડવા માંગે છે, તો હવે તેણે લાંબી રાહ જોવી પડશે નહીં. દાવો (ક્લેમ) કર્યા પછી પૈસા સીધા અને ઝડપથી તેના બેંક ખાતામાં આવી જશે. આ ફેરફારની અસર 7 કરોડથી વધુ લોકો પર પડશે.
ઈપીએફઓ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે, હવે અમે ફાઈનલ વિડ્રોઅલ માટે પણ ઓટો સેટલમેન્ટની સુવિધા શરૂ કરી રહ્યાં છીએ. જો કોઈ સભ્ય પોતાની નોકરી બદલે છે, તો ઈપીએફઓ તેના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટના ઓટો-સેટલમેન્ટ અને ઓટો-ટ્રાન્સફરની સુવિધા આપશે.

