New Delhi,તા,14
પશ્ચિમ એશિયામાં તણાવની અસર હવે સામાન્ય લોકોનાં ખિસ્સા પર દેખાવવાની શરૂ થઈ ગઈ છે. ઈરાન યુદ્ધનાં કારણે ઈંધણ અને રોજિંદા સામાનની સાથે ક્નઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ મોંઘા થયાં બાદ હવે તેની અસર ખાવા-પીવાની વસ્તુઓ પર પણ દેખાવા લાગી છે.
સાથે જ સુપર અલ-નીનોની આશંકા પણ લોકોનાં રસોડાનું બજેટ બગાડી રહી છે. એપ્રિલમાં છૂટક મોંઘવારી 3.48 ટકા વધી અને 14 મહિનાનાં ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ. ખાદ્ય મોંઘવારી તો 4.20 ટકા વધી ગઈ.
નિષ્ણાતો આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે, માર્ચ પછી એપ્રિલમાં ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી થવી એ લાંબા ગાળાની મોંઘવારીની શરૂઆત હોઈ શકે છે. મોંઘું ઈંધણ આવનારાં મહિનાઓમાં લોકોનાં ખિસ્સા પર મોંઘવારીનો બોજ વધુ વધારી શકે છે. આ વર્ષે ઓછો વરસાદ ‘આગમાં ઘી હોમવા’ જેવું કામ કરશે.
મે – જૂનમાં મોંઘવારી હજુ વધવાની આશંકા
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો હજુ વધી નથી. સાથે જ FMCG કંપનીઓએ પણ અત્યાર સુધી કિંમતોમાં બહુ વધારો કરવાનું ટાળ્યું છે, જેના કારણે ઈરાન સંકટ હોવા છતાં છૂટક મોંઘવારીમાં માર્ચની સરખામણીએ એપ્રિલમાં વધુ વધારો થયો નથી.
જોકે, હવે તેલ કંપનીઓની ખોટ લગભગ 1 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે, તેથી જો કંપનીઓ પેટ્રોલ-ડીઝલની કિંમતો વધારશે તો મોંઘવારી ઘણી વધી શકે છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આરબીઆઈએ સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી વ્યાજદરો વધારવા માટે મજબૂર થવું પડી શકે છે.
મોંઘવારીમાં સતત વધારો
છેલ્લા 7 મહિનાથી મોંઘવારીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છૂટક મોંઘવારી 14 મહિનાનાં ઉચ્ચતમ સ્તરે પહોંચી છે, જ્યારે ખાદ્ય મોંઘવારીમાં છેલ્લા 15 મહિનામાં સૌથી વધુ વધારો નોંધાયો છે. ઈરાન સંકટનાં કારણે એપ્રિલ 2026માં છૂટક મોંઘવારી માર્ચ 2026ની સરખામણીએ 0.26 ટકા વધી છે.
મહિનાવાર મોંઘવારીના આંકડા
ઓક્ટોબર : છૂટક મોંઘવારી 0.25 ટકા અને ખાદ્ય મોંઘવારી -5.02 ટકા હતી.
નવેમ્બર : છૂટક મોંઘવારી 0.71 ટકા અને ખાદ્ય મોંઘવારી -3.91 ટકા નોંધાઈ હતી.
ડિસેમ્બર : છૂટક મોંઘવારી વધીને 1.33 ટકા થઈ અને ખાદ્ય મોંઘવારી -2.71 ટકા પર પહોંચી.
જાન્યુઆરી : છૂટક મોંઘવારી 2.75 ટકા અને ખાદ્ય મોંઘવારી 2.13 ટકા થઈ.
ફેબ્રુઆરી : છૂટક મોંઘવારી 3.20 ટકા અને ખાદ્ય મોંઘવારી 3.47 ટકા સુધી પહોંચી.
માર્ચ : છૂટક મોંઘવારી 3.40 ટકા અને ખાદ્ય મોંઘવારી 3.87 ટકા નોંધાઈ.
એપ્રિલ : છૂટક મોંઘવારી 3.48 ટકા અને ખાદ્ય મોંઘવારી 4.20 ટકાના સ્તરે પહોંચી ગઈ છે.
કિંમતોમાં ઘટાડો (વાર્ષિક ધોરણે)
એપ્રિલ મહિનામાં કેટલીક વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છેઃ
બટાટા : કિંમતમાં 23.69 ટકાનો ઘટાડો.
ડુંગળી : કિંમતમાં 17.67 ટકાનો ઘટાડો.
કાર : 7.12 ટકા સસ્તી થઈ.
વટાણા : 6.75 ટકાનો ઘટાડો.
એસી : 5.06 ટકાનો ઘટાડો નોંધાયો છે.

