Kolkata, તા.14
સત્તાના સુત્રો સંભાળતા જ પશ્ચિમ બંગાળમાં સુવેન્દુની સરકારે નવા આદેશો જાહેર કર્યા છે જેમાં બકરી ઇદ પહેલા જ પશુધને લઇને નિયમો સખ્ત બનાવ્યા છે. તો શાળાઓમાં સવારની પ્રાર્થનાઓમાં વંદે માતરમ ગીત ફરજિયાત ગાવાના નિર્દેશ આપ્યા છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ નવા આદેશ જાહેર કરતા સુવેન્દુએ જણાવ્યું હતું કે પશુ વધને લઇને હવે મંજુરી લેવી પડશે. 1950ના બંગાળ કાનૂન અને 2018ના કોલકાતા હાઇકોટ4ના આદેશનો હવાલા આપી ફરજિયાત ફિટનેસ સર્ટીફીકેટ વિના કોઇપણ ગાય, બળદ કે ભેંસના વધ પર રોક લગાવવા નોટીસ જાહેર કરાઇ છે.
સરકારી આદેશ મુજબ ફિટનેસ સર્ટીફિકેટ ત્યારે ઇસ્યુ કરાશે જ્યારે સંબંધિત નગરપાલિકાના ચેર પર્સન કે પંચાયત સમિતિના અધ્યક્ષ અને સરકારી પશુ પશુ ચિકિત્સા સંયુક્ત રીતે લિખિત સહમતી આપે તેમાં પશુની વય 14 થી વધુ હોય, કામ કે પ્રજનન યોગ્ય ન હોય તેમજ પશુ વૃધ્ધ, વિકૃતિ કે કોઇ અસાધ્ય બીમારીના કારણે કાયમી અક્ષમ બની ગયું હોય ત્યારે વધની મંજુરી મળી શકશે. સરકારે જાહેર સ્થળે પશુ વધ પર રોક લગાવી દીધી છે. નિયમના ભંગ બદલ 6 મહિનાની જેલ કે 1000 રૂપિયાનો દંડ કે બન્ને સજા અપાઇ શકે છે.
પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યભરની બધી શાળાઓમાં સવારની સભા દરમિયાન વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવ્યું છે. શાળા શિક્ષણ વિભાગે તમામ શૈક્ષણિક સંસ્થાઓના વડાઓને નોટિસ મોકલી છે.
નોટિસમાં જણાવાયું છે કે, વર્ગો શરૂ થાય તે પહેલાં વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવવું જોઈએ, અને રાજ્યભરની બધી શાળાઓમાં તાત્કાલિક અસરથી બધા વિદ્યાર્થીઓ દ્વારા તે ગાવું જોઈએ.
આ નવા નિર્દેશથી શાળાના વડાઓ મૂંઝવણમાં મુકાયા છે. નોંધનીય છે કે અગાઉની સરકારે રાજ્યની બધી શાળાઓ માટે સવારની સભા દરમિયાન રાજ્ય ગીત, બંગલાર માટી, બાંગલાર જલ ગાવાનું ફરજિયાત બનાવ્યું હતું.
ઘણી શાળાના વડાઓ કહે છે કે, નવી સૂચનામાં રાજ્ય ગીતનો ઉલ્લેખ ન હોવા છતાં, સવારની સભા દરમિયાન બાળકો માટે ત્રણ ગીતો ગાવાનું સરળ રહેશે નહીં, વર્ગેો મોડા શરૂ થશે.

