Surendranagar તા.14
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કાળી મજરી કરવા છતા એક પછી એક નવી મુસીબતનો સામનો કરી રહ્યા છે. કયારેક મોસમનો માર તો ક્યારેક મોંધવારીનો માર સહન કરતા ખેડૂતો ચોમાસુ પાક માટે ખાતરની વ્યવસ્થા કરવાના કામમાં હવે તો લાગી ગયા છે. ત્યારે ખાતરના વધેલા ભાવે જગતના તાત માટે નવી આફત લઇને આવ્યા હોય એવું લાગે છે. હાલ એનપીકે ખાતરના ભાવમાં રૂ.700 વધારો થતા ખેડૂતોને માથે વર્ષે ખાતરના ભાવનું રૂ. 1,96,85,4000થી વધુ રકમનું ભારણ વધશે. બિયારણ, ખેડાણ, દવા, મજૂરીની સાથે ખેડૂતોને ખાતર પાછળ પણ મોટો ખર્ચ કરવો પડે છે. આથી જ જિલ્લામાં ખાતરની માંગ પણ વિશેષ જોવા મળે છે.
જિલ્લામાં 507250 ખેડૂત જમીન વિસ્તારમાં ખેતી કરે છે. હાલ ઉનાળુ સીઝન પૂરી થવામાં અને ચોમાસુ સીઝન ચાલુ થવામાં હોવાથી વિવિધ ખાતરોની માંગ રહે છે. જેમાં એનપીકે ખાતરની 2,81,220 થેલીની આ વર્ષ માંગ છે. જેમાં 10 માસ પહેલા ખાતરના ભાવ વધેલ તેની સામે ફરી કંપનીના એનપીકે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં એક એનપીકે થેલીના ભાવમાં 700 વધારો કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને આ વર્ષ 1,96,85,4000 નો વધારાનો બોજ સહન કરવો પડે તેમ લાગી રહ્યું છે.
3 વર્ષમાં ખાતરની થેલીના ભાવ માં વધારો નોંધાયો
એનપીકે ખાતરની પણ જિલ્લામાં વિવિધ પાકોના વાવેતરમાં મહત્વનું હોવાથી માંગ રહે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 2021-22માં ત્યારે ભાવ 1185 ભાવ હતો. જ્યારે નવેમ્બર 2024 સુધી 1470 ભાવ હતો. જે હવે જાન્યુઆરી 2025માં 1720 કરવામાં આવ્યો હતો. જ્યારે 29-7-2025ના રોજ ભાવ 130 વધારા સાથે 1850 થયો હતો.જે હાલ વધીને 2250 થયો છે. આમ ત્રણ વર્ષમાં ખેડૂતોએ થેલીમાં ખાતરની થેલી દિઠ 1065 વધારો થઇ ગયો છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોવાને કારણે સલ્ફરનો પુરવઠો ખોરવાયો છે, જેના કારણે ભાવ વધ્યા
20-20-0-13 ખાતરના ભાવમાં મોટો વધારો થયો છે. પહેલા આ ખાતરનો ભાવ 1,550 હતો, જે હવે વધીને 2,250 થયો છે. ખાતર જીએસએફસી દ્વારા બનાવાય છે અને તેને ભારત એનપીકે તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાવમાં આટલો મોટો વધારો થવાનું મુખ્ય કારણ કાચા માલની અછત છે. એપીએસમાં 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને 13% સલ્ફર હોય છે. સલ્ફર બનાવવા માટે જરૂરી સલ્ફ્યુરિક એસિડ બહારથી મંગાવવું પડે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોવાને કારણે સલ્ફરનો પુરવઠો ખોરવાતા ભાવ વધ્યા છે.

