Junagadh, તા.14
જૂનાગઢના પોષ વિસ્તાર ગણાતા ગીરીરાજમાં આવેલ ચિત્રકુટ સોસાયટીમાં ગત સાંજે સાત-આઠની વચ્ચે ઘરની બહાર લસણ ફોલતા વૃધ્ધાની બે અજાણ્યા શખ્સોએ હત્યા કરી અને સોનાની બુટીની લૂંટ કરી નાસી છૂટ્યા હતા.
ચિત્રકુટ સોસાયટીમાં રહેતા સુનિતાબેન રમેશભાઇના પુત્ર માંગનાથ રોડ ખાતે દુકાને હતા તેમના પુત્રવધુ રાજકોટ ગયા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ સોનાનો ચેઇન અને કાનની બૂટ્ટીની લૂંટ કરી ગળેટુપો દઇ હત્યા કરીને ભાગી ગયા હતા. પરિવારજનો હતપ્રત થઇ ગયા હતા. પુત્ર દિલીપભાઇને માંગનાથ રોડ પર ક્રિએશનની દુકાન છે તેમના પત્ની રાજકોટ હોય જેથી દિલીપભાઇએ માતાના ફોનમાં ફોન કર્યો હતો જેનો રિપ્લાઇ ન થતાં બાજુવાળાના ઘરે જઇ જોવાનું કહેતા ઘરમાં જઇ જોયું ત્યારે લોહી લોહાણ હાલતમાં પડ્યા હતાં. જેથી દિલીપભાઇ તાત્કાલીક ઘરે આવીને પોલીસને જાણ કરતા બી-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
બાજુમાં રહેતા રાઇજાબેનને ફોન આવતા ફોન ઉપડ્યો ન હતો. ઘરે તપાસ કરતાં ગળામાં ઇજા તીક્ષ્ણ હથિયાર વડે કરતા લોહી લોહાણ હાલતમાં મોત નોંધાયું હતું. આ ભરચક વિસ્તારમાં સમી સાંજમાં હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે તપાસ કરતાં સોનાનો ચેઇન-બુટ્ટીની લૂંટ કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. આજુબાજુના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. આ લખાય છે ત્યારે કોઇની ધરપકડ કરવામાં આવી નથી.

