Surendranagar, તા.14
જિલ્લાના લીંબડી તાલુકાના ધલવાણા, પાટડીના ઈન્દીરાનગર અને રતનપરના ગાંડાવાડી વિસ્તારમાં પોલીસે જુગારની બાતમીના આધારે દરોડા કર્યા હતા. જેમાં 14 જુગારીયાઓ રોકડ, મોબાઈલ, બાઈક સહિત રૂપીયા 84,110ની મત્તા સાથે પકડાયા છે.
લીંબડી તાલુકાના ધલવાણા ગામની સીમમાં બાવળની આડમાં જુગારની બાતમી મળતા પાણશીણા પોલીસના જયંતીભાઈ મેણીયા સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં ગંજીપાનાનો જુગાર રમતા વલ્લભ હીરાભાઈ મેણીયા, મનસુખ લવજીભાઈ મેણીયા, સવજી અમરશીભાઈ મેણીયા, રાજેશ રૂપસંગભાઈ ધોરાળીયા, પુંજા રૂપાભાઈ મેણીયા અને હારૂન ઈસ્માઈલભાઈ ડોસાણી રોકડા રૂપીયા 10,160 સાથે ઝડપાયા હતા.
તમામ જુગારીયાઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ એએસઆઈ એ.એન.અંગારી ચલાવી રહ્યા છે. જયારે પાટડી પોલીસને ઈન્દીરાનગરમાં આવેલ નાગદાદાના મંદિર પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં જગદીશ કાળુભાઈ કનેજા, નાગજી કાંતીભાઈ માલકીયા, બહાદુર આલમશા ફકીર અને કીરીટ કાંતીભાઈ ઠક્કર ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા 6,910, રૂપીયા 4 હજારના મોબાઈલ ફોન સહિત કુલ રૂપીયા 10,910ની મત્તા સાથે પકડાયા હતા. બીજી તરફ જોરાવરનગર પોલીસના રવીભાઈ અલગોતર સહિતનાઓને રતનપર ગાંડાવાડીમાં જાહેરમાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી.
જેમાં રફીક આદમભાઈ કટીયા, હૈદર મહમદભાઈ મુલ્લા, અલ્તાફ ઉર્ફે શેમ્પુ કાદરભાઈ કટીયા અને સલીમ કાળુભાઈ ભટ્ટી ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 8040, રૂપીયા 40 હજારનું બાઈક અને રૂપીયા 15 હજારના 3 મોબાઈલ ફોન સહિત રૂપીયા 63,040નો મુદ્દામાલ કબજે કરી જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

