Surendranagar, તા.14
ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માત રામદેવપુર પાટિયા પાસે રાત્રે ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે લોકોને ગંભીર ઇજા થતા ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે મંગળવારની મોડી રાત્રે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ધ્રાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામના પાટિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અગમ્ય કારણોસર જોરદાર ટક્કર થતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક્ટર તેમજ કારના ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે પ્રાથમિક અનુમાન મુજબ વધુ ઝડપ અથવા બેદરકારી અકસ્માતનું કારણ હોઈ શકે છે.

