Mumbai,તા.20
સલમાન ખાન, શાહરુખ ખાન અને અક્ષય કુમાર એક ફિલ્મમાં સાથે જોવા મળશે, પરંતુ આ ફિલ્મના લીડ હીરો તરીકે જોની લીવર જોવા મળશે. ગયા મહિને એવા અહેવાલો આવ્યા હતા કે જાણીતા ડાયરેક્ટર ફરહાદ સામજી એક જબરદસ્ત કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મની સૌથી ખાસ અને ચોંકાવનારી વાત એ છે કે અત્યાર સુધી મોટાભાગની ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ તરીકે વાહવાહી લૂંટનારા જોની લીવર આ ફિલ્મમાં મુખ્ય હીરો એટલે કે લીડ રોલમાં જોવા મળશે.
આ સાથે જ ચર્ચા હતી કે આ ફિલ્મમાં બોલિવૂડના ઘણા મોટા સુપરસ્ટાર્સ કેમિયો કરવાના છે, જેમાં સલમાન ખાન અને અક્ષય કુમારના નામ પહેલાથી જ કન્ફર્મ થઈ ચૂક્યા હતા. જોકે, હવે આ ફિલ્મ સાથે બોલિવૂડના ‘કિંગ ખાન’ એટલે કે શાહરૂખ ખાનનું નામ પણ જોડાઈ ગયું છે.
એક રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન પણ આ ફિલ્મમાં ધમાકેદાર કેમિયો કરવાનો છે. આ રોલ ફિલ્મની શરૂઆતના સીનમાં જ જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે શાહરૂખ ખાનને આ રોલ માટે એપ્રોચ કરવામાં આવ્યો, ત્યારે તેઓ તરત જ માની ગયા હતા. શાહરૂખ જોની લીવરની ફિલ્મનો હિસ્સો બનવા બદલ ખૂબ જ ખુશ છે, કારણ કે બંને કલાકારો વચ્ચે છેલ્લા ત્રણ દાયકાથી ખૂબ જ ગાઢ સંબંધો છે અને તેઓએ ભૂતકાળમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અહેવાલો મુજબ, શાહરૂખ ખાન આગામી જૂન મહિનામાં પોતાના પાર્ટનું શૂટિંગ પૂરું કરશે.
જોની લીવરની આ આગામી ફિલ્મનું સત્તાવાર ટાઇટલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પહેલા એવી ચર્ચા હતી કે આ પિક્ચરનું નામ ‘સબસે બડા રૂપૈયા’ રાખવામાં આવશે, પરંતુ લેટેસ્ટ અપડેટ મુજબ હવે આ ફિલ્મનું નામ ‘ઓપરેશન ઓપરેશન’ હોઈ શકે છે. જોકે, ફિલ્મનું આખરી નામ શું હશે તે પ્રોડ્યુસર અશ્વિની વર્દે અને મેકર્સની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.

