New Delhi,તા.26
તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ થયેલી અને લાખો ફોલોઅર્સ મેળવનારી ઓનલાઈન કટાક્ષ ચળવળ કોકરોચ જનતા પાર્ટીના એક્સ (ટ્વિટર) હેન્ડલને કેન્દ્ર સરકાર દ્વારા બ્લોક કરી દેવાયું છે. આ આદેશ વિરુદ્ધ પ્લેટફોર્મના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ મામલાની સુનાવણી આ સપ્તાહે થવાની સંભાવના છે.
મળતી માહિતી મુજબ, 21 મેના રોજ કેન્દ્ર સરકારના આદેશ બાદ કોકરોચ જનતા પાર્ટીનું સત્તાવાર એક્સ હેન્ડલ ભારતભરમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ના ઇનપુટ્સના આધારે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સરકારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 ની કલમ 69(A) હેઠળ આ એકાઉન્ટ બ્લોક કરવા કહ્યું છે. આ કલમ સરકારને દેશની સંપ્રભુતા, સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ ઓનલાઈન સામગ્રી પર રોક લગાવવાની સત્તા આપે છે. જોકે, ભારત બહારના લોકેશન પરથી હજુ પણ આ એકાઉન્ટ એક્સેસ કરી શકાય છે.
બોસ્ટનમાં (અમેરિકા) રહેતા 30 વર્ષીય અભિજીત દીપકે ચીફ જસ્ટિસની કોકરોચ વાળી ટિપ્પણી પર કટાક્ષ કરતું પોસ્ટર બનાવ્યું હતું અને યુવાનો માટે એક ઓનલાઈન મેમ્બરશિપ ફોર્મ જાહેર કર્યું હતું.
જોતજોતામાં આ પ્લેટફોર્મ વાયરલ થઈ ગયું અને ઇન્સ્ટાગ્રામ પર તેના 16 મિલિયનથી વધુ ફોલોઅર્સ થઈ ગયા હતા. અભિજીતે મીડિયાને જણાવ્યું કે, આ ટ્રેન્ડ બાદ તેને સતત ધમકીઓ મળી રહી છે અને ભારતમાં રહેતા તેના પરિવારની સુરક્ષાને લઈને તે ખૂબ જ ચિંતિત છે. હવે આ ડિજિટલ સેન્સોરશિપ સામે તે કાયદાકીય લડત લડી રહ્યો છે.

