Ahmedabad,તા.૨૭
વર્ષ ૨૦૧૪માં નોંધાયેલા ચકચારી લાંચકાંડ મામલે આજે એસીબીની વિશેષ અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. ધ મ્યુનિસિપલ કો-ઓપરેટિવ બેંકના લિક્વિડેશન દરમિયાન કર્મચારીઓના બાકી લેણાં ચૂકવવા બદલ ૩૦ ટકા લાંચ માંગવાના કેસમાં આરોપી સૌરભ પટેલ અને કૃષ્ણકાંત પટેલને કોર્ટે દોષિત ઠેરવી ૫-૫ વર્ષની કેદ અને ૫૦ હજાર રૂપિયાના વ્યક્તિગત દંડની સજા ફટકારી છે.
આ કેસમાં અમદાવાદ એસીબી પોલીસ મથકે વર્ષ ૨૦૧૪માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો. આજે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી એસીબીની વિશેષ અદાલતે ૧૬ સાક્ષી અને ૪૬ દસ્તાવેજી પુરાવાના આધારે બંને આરોપીઓને સજા સંભળાવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરબીઆઇ દ્વારા ધ મ્યુનિસિપલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું લાઇસન્સ રદ થતા બેંક લિક્વિડેશનમાં ગઈ હતી. જેમાં કૃષ્ણકાંત પટેલની લિક્વિડેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બેંકના કર્મચારીઓના પગાર, ગ્રેચ્યુઈટી અને અન્ય બાકી નાણાં ચૂકવવા બદલ આરોપીઓએ કુલ ચુકવણીમાંથી ૩૦ ટકા રકમ લાંચ તરીકે માંગતા હોવાના આક્ષેપ થયા હતા.
બેંકના નિવૃત્ત ક્લાર્ક વિજયભાઈ રસિકલાલ ભાવસારે ૨૧ એપ્રિલ ૨૦૧૪ના રોજ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ૨૨ એપ્રિલે છઝ્રમ્એ ટ્રેપ ગોઠવ્યો હતો. ફરિયાદી લાંચની અંદાજિત ૬ લાખ રૂપિયાની રકમ આપવા પહોંચ્યા હતા, ત્યારે આરોપી સૌરભ પટેલ બેંકના ગેટ બહાર બે બેગ સાથે ઝડપાઈ ગયા હતા. પંચોની હાજરીમાં તપાસ કરતા બેગમાંથી બેંકના અન્ય કર્મચારીઓ પાસેથી વસૂલવામાં આવેલી આશરે ૪૮.૫૬ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી, સાથે કર્મચારીઓના લેણાં અને ઉઘરાવેલી રકમની વિગતો દર્શાવતા દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.
કોર્ટ સમક્ષ આરોપીઓએ પોતાની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. કૃષ્ણકાંત પટેલે દલીલ કરી હતી કે તેમણે ક્યારેય લાંચ માંગી નથી અને તેમની કેબિનમાંથી કોઈ રકમ મળી આવી નથી. જ્યારે સૌરભ પટેલના વકીલે ટ્રેપ પ્રક્રિયા અને ઇલેક્ટ્રોનિક પુરાવા પર સવાલો ઊભા કર્યા હતા.જો કે કોર્ટે ફરિયાદી વિજય ભાવસાર, પંચ સાક્ષી કિશોરભાઈ સહિત અન્ય કર્મચારીઓની જુબાની, ઓડિયો રેકોર્ડિંગ અને હ્લજીન્ના પોઝિટિવ રિપોર્ટને મહત્વપૂર્ણ પુરાવા ગણાવ્યા હતા.
ફરિયાદીના પુત્ર કૃણાલ ભાવસાર દ્વારા આરોપી કૃષ્ણકાંત પટેલ સાથે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ પણ કોર્ટે માન્ય રાખ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે, કર્મચારીઓને પોતાના કાયદેસરના લેણાં મેળવવા માટે ફરજિયાત ૩૦ ટકા રકમ ચૂકવવી પડતી હતી અને આરોપીઓ બેગમાંથી મળેલી લાખોની રોકડ રકમ અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.સરકારી વકીલ એન.બી. ચૌહાણે જણાવ્યું હતું કે એસીબી દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે કોર્ટે બંને આરોપીઓ સામેનો ગુનો વ્યાજબી શંકાથી પર સાબિત માન્યો છે, અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક સંદેશ આપતો ચુકાદો આપ્યો છે.

