વૃદ્ધ અને અશક્ત વ્યક્તિઓને રીક્ષામાં બેસાડીને તેમના દાગીના અને પૈસા પડાવી લઈ ફરાર થઈ જતા હતા
Anand, તા.૨૮
આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીને આધારે સામરખા ચોકડી પાસે છાપો મારીને મહેમદાવાદના બે શખ્સોને રીક્ષા સાથે ઝડપી પાડ્યા હતા. આ બન્ને જણાં વૃદ્ધ અને અશક્ત વ્યક્તિઓને મુસાફર તરીકે બેસાડીને તેમના દાગીના અને રોકડ રકમ સેરવી લેતાં હતા.આણંદ એલસીબીના પીઆઈ સીપી ચૌધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન તેમને બાતમી મળી કે રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભાવનગર જેવા મોટા શહેરોમાં વૃદ્ધ અને અશક્ત માણસોને પોતાની રિક્ષામાં બેસાડી તેમની નજર ચુકવી સોનાના દાગીના અને રોકડ રકમ કાઢી લેવાની ટેવવાળા આરોપીઓ રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર તથા સરજુ ઉર્ફે બવ્વો બાલીકદાસ ચુડાસમા (ઉ.વ. ૨૧ બન્ને રહે. મહેમદવાદ. જીઈબીની બાજુમાં રેલ્વે સ્ટેશન પાસે કુંભારખાડ છાપરામાં) જેઓ રિક્ષા લઈ સામરખા ચોકડી એકતા હોટલ પાસે આવ્યા છે.બાતમીને પગલે ટીમે તરત જ છાપો માર્યો હતો અને તેમની પાસે રિક્ષાના કાગળો માંગ્યા હતા. જે તેઓ આપી શક્યા ન્હોતા એટલે પોલીસે તેમની તલાસી લીધી ત્યારે તેમની પાસેથી નાનું કટર અને મોબાઈલ પણ મળી આવ્યો હતો. પોલીસ પૂછતાછમાં તેમણે ઘણીબધી જગ્યાએ રિક્ષામાં મુસાફરો બેસાડી તેમના દાગીના અને રકમ કાઢી લીધા હતા. આ બન્ને વિરુદ્ધ ૨૫ થી વધુ ફરિયાદો અમદાવાદ, વડોદરા, રાજકોટ, કઠલાલ, મહેસાણા વગેરે જગ્યાએ નોંધાઈ છે. તેઓ વારંવાર આ ગુના આચરી રહ્યાં હતા. પોલીસે તેમની વધુ પૂછતાછ આરંભી છે.

