નાણાં પરત ન આપીને આરોપીઓએ પાસપોર્ટ પરત ન આપીને ભોગ બનનારને ઓફિસે ન આવવા ધમકાવ્યા
Ahmedabad, તા.૧૧
રાણીપ વિસ્તારમાં રહેતા યુવક અને તેની પત્નીને કેનેડાના વર્ક પરમિટ વિઝા મેળવવાના હોવાથી એક કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો. વિઝા કન્સલ્ટન્સીના માલિક, તેની પત્ની અને કર્મચારીએ ભેગા મળીને વર્ક પરમિટ વિઝા આપવાના બહાને ૨૭ લાખ રૂપિયા પડાવ્યા હતા.
જો કે વિઝા ના આવતા ભોગ બનનારે પૈસા પરત માગતા આરોપીઓએ નાણાં પરત ન આપીને પાસપોર્ટ પણ મેળવી લીધો હતો. ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા આરોપીઓએ ૨૭ લાખમાંથી માત્ર ૬.૨૫ લાખ રૂપિયા પરત આપ્યા હતા. બાકીના ૨૦.૭૫ લાખ પરત ન આપતા આ મામલે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાણીપમાં રહેતા યુવકને પત્ની સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝા લેવાના હતા.
જેથી યુવકની પત્નીએ ન્યુ રાણીપમાં આવેલી પ્રાનીલ એજ્યુકેશન સર્વિસનો સંપર્ક કર્યો હતો. આ કંપની અરવિંદ તિવારી અને કોમલ તિવારી નામના પતિ-પત્ની ભાગીદારીમાં ચલાવતા હતા. કંપનીમાં વિશાલ ત્રિપાઠી નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો. અરવિંદ તિવારી અને તેની પત્નીએ યુવકના વિઝીટર વિઝાને વર્ક પરમિટમાં ટ્રાન્સફર કરી આપવાનું કહીને ૨૭ લાખ રૂપિયાનો ખર્ચ જણાવ્યો હતો. જે બાદ ૧૦૦ ટકા જોબ અપાવવાની અને પીઆર પણ કરી આપવાની લાલચ આપી હતી. યુવકના વર્ક પરમિટ વિઝા થયા બાદ ત્રણ માસમાં તેની પત્નીને પણ કેનેડા મોકલવાનો વાયદો કર્યો હતો.
જે બાદ આરોપીઓએ કેનેડાના વર્ક પરમીટ વિઝા માટે અલગ અલગ ખર્ચના બહાને ટુકડે ટુકડે પૈસા લેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાનમાં વિઝીટર વિઝાથી વર્ક પરમિટ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ કેનેડામાં બંધ થઇ ગઇ હોવાથી આરોપીઓએ પ્રોસેસ બદલી નાખવાનું કહીને યુવકનો અસલ પાસપોર્ટ મેળવી લીધો હતો. જે બાદ વિઝાનું કામ ન કરી આપીને નાણાં પરત ન આપીને આરોપીઓએ પાસપોર્ટ પરત ન આપીને ભોગ બનનારને ઓફિસે ન આવવા ધમકાવ્યા હતા. આરોપીઓએ હેરાનગતિનો કેસ કરવાની ધમકી પણ આપી હતી. જેથી યુવકની માતાએ આ મામલે અરવિંદ તિવારી અને તેની પત્ની કોમલ તિવારી તથા વિશાલ ત્રિપાઠી સામે ૨૦.૭૫ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

