ગે ફરિયાદીના ૧૪ ક્લાયન્ટોને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા
Surat, તા.૨૮
સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે વિદેશ જવા ઇચ્છતા નાગરિકો સાથે છેતરપિંડી આચરતી ગેંગના લીડરને પકડવામાં સફળતા મેળવી છે. કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી અમિત સોનીની સાયબર ક્રાઈમની ટીમે પંજાબના મોહાલી ખાતેથી ધરપકડ કરી લીધી છે.પકડાયેલો આરોપી મોહાલીમાં સેન્ટિફ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ચલાવતો હતો અને તેની આડમાં નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવતો હતો. આ ઠગે ફરિયાદીના ૧૪ ક્લાયન્ટોને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ વિઝા પ્રોસેસિંગના બહાને રજીસ્ટ્રેશન ફી, એમ્બેસી ફી અને અલગ-અલગ ચાર્જિસ પેટે તબક્કાવાર કુલ ૭,૦૧,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. નાણાં પડાવી લીધા બાદ ફરિયાદી અને ક્લાયન્ટ્સને શંકા ન જાય તે માટે આરોપી અમિત સોનીએ જાણીતી આંતરરાષ્ટ્રીય કંપનીના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર મોકલી આપી મોટી છેતરપિંડી આચરી હતી.જો કે, આ સમગ્ર કૌભાંડનો ભોગ બન્યા બાદ ફરિયાદીએ જાગૃતિ દાખવી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર તુરંત જ પોતાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલે અત્યંત આધુનિક ટેકનિકલ સોર્સિસ અને વૈજ્ઞાનિક તપાસ હાથ ધરીને આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને એક ટીમ પંજાબ રવાના કરીને મોહાલીથી મુખ્ય આરોપી અમિત સોનીને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન આ આરોપીના બેંક એકાઉન્ટ્સની વિગતો ફંફોસતા ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ઠગ સામે ગુજરાતના અન્ય શહેરો જેવા કે રાજકોટ અને ગાંધીનગરમાં પણ સમાન મોડસ ઓપરેન્ડીથી આચરેલી છેતરપિંડીની વધુ ૩ ફરિયાદો મળી આવી છે, જેમાં તેણે અન્ય લોકો પાસેથી આશરે ૩.૦૪ લાખ પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે.આ અંગે સુરત સાયબર ક્રાઇમના ડીસીપી બિશાખા જૈને અપીલ કરી છે કે, આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વર્ક પરમિટ વિઝા અપાવવાની લલચામણી અને આકર્ષક જાહેરાતોનો રાફડો ફાટ્યો છે, જેનાથી જનતાએ અત્યંત સાવચેત રહેવાની જરૂર છે. કોઈપણ એજન્ટ કે કન્સલ્ટન્સીને નાણાં ચૂકવતા પહેલાં જે-તે કંપનીના ઓફર લેટર, સત્તાવાર ઈમેઈલ આઈડી અને તેની જેન્યુઈન વિગતોની બારીકાઈથી ચકાસણી કર્યા બાદ જ આર્થિક વ્યવહારો કરવા જોઈએ જેથી આવા સાયબર ગઠિયાઓનો ભોગ બનવાથી બચી શકાય.

