ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
હમણાં જ 24 મે બ્રધર્સ ડે ગયો! અને મારી બંને દીકરીઓ એનાં ભાઈને વિશ કરવાનું ભૂલી ગઈ! પછી તો બીજે દિવસે આખો દિવસ ખોટાં ખોટાં રિસામણા મનામણાં નાં મેસેજ અને રિલ નો મારો ચાલ્યો! ઈન્સ્ટાગ્રામ માં પણ બહેન કુંવારી હોય ત્યારની બંનેની મીઠી રકઝક નાં રિલ જોયાં! સાસરે ગયા પછી રાજકુમારી જેમ રહેતી એની એ જ બહેન કેવી બદલાઈ ગઈ! ભાઈ બહેન નો પ્રેમ કેટલો નિખાલસ અને પવિત્ર છે! આ એક માત્ર સંબંધ નથી પણ ઋણાનુબંધ ને કારણે મળતું એક એવું બંધન છે, જેમાં બંનેને એકબીજા ને કંઈ પણ કહેવાની પૂર્ણ સ્વતંત્રતા છે! અને છતાં એમાં ક્યારેય કમી નથી આવતી! આપણી સંસ્કૃતિમાં આને લગતા તહેવાર ઉજવીને એની મહત્તા પણ બતાવવામાં આવી છે. અડધી રાત્રે પણ કોઈ જીઝક વગર એકબીજાને ઓર્ડર કરી શકે! મોંઘુ સસ્તું જોયાં વગર ડિમાન્ડ કરી શકે! અને હંમેશા હેસિયતથી વધુ આપવાની બંનેમાં કાયમ હોડ લાગી રહે છે. હાં કળિયુગ છે એટલે અપવાદ હોય! અને એવા કિસ્સાઓ છાપાંમાં કે અન્ય રીતે આપણી જાણમાં આવે છે! મોટી બહેન હોય તો એ મા જેમ જ નાના ભાઈનું ધ્યાન રાખે છે, અને ભાઈ મોટો હોય તો એ પિતા જેમ નાની બહેનનું માળી બની ફૂલ જેમ તેનું જતન કરે છે. તો આવો જ એક ભાઈ બહેનના પવિત્ર પ્રેમને રજૂ કરતો કિસ્સો.
ઇન્સ્પેક્ટરે રણદીપ સિંહ ચૌહાણ પોતાને મળેલી એક લીડ મુજબ દરિયા કિનારા તરફ જતા હતાં, અને એમણે જોયું તો એક દસ વર્ષ આસપાસનો એક છોકરો, પોતાની પાંચ વર્ષની નાની બહેનને ખોળામાં બેસાડીને કંઈક ખવરાવી રહ્યો હતો! એને થયું આ સૂમસામ જગ્યાએ આટલાં નાનાં નાનાં છોકરાંવ પહોંચ્યા કંઈ રીતે! નક્કી કંઈક તકલીફમાં હશે? અને પાછા સારાં ઘરનાં હોય એવું લાગે છે. પરંતુ પોતે શીપ પર સમયસર નહી પહોંચે તો કન્ટેનરમાં આવતો ડ્રગ્સ સગેવગે થઈ જશે! અને ગુનેહગાર છટકી જશે! એટલે પહેલાં તો ત્યાં જ જવું પડશે, પણ વળતાં ચોક્કસ આ છોકરાંવ પાસે જશે, અને કારણ જાણી શક્ય મદદ પણ કરશે. સમયસર પહોંચવાં છતાં કંઈ હાથ આવ્યું નહીં! અને કેમ આમ થયું એ વિચારમાં પેલાં બે ભાઈ બહેન મગજમાંથી નીકળી ગયા! અને ત્રણેક કિલોમીટર આગળ ગયાં ત્યાં એ દ્રશ્ય આંખ આગળ આવ્યું! અને એમણે ગાડીને યુ ટર્ન મારી એ તરફ લીધી! પણ એને આશ્ચર્ય થયું કે અત્યારે ત્યાં કોઈ જ હતું નહીં! ક્યાં ગયા હશે! ન છૂટકે ઇન્સ્પેક્ટર રણદીપ સિંહ ભારે હ્રદયે ત્યાંથી પાછાં ફર્યા! પોતાનાં પોલીસ સ્ટેશનમાં પોતાની કસ્ટડીમાં એક ખૂંખાર ગુનેગાર છે એ યાદ આવતાં એણે ગાડી પોલીસ સ્ટેશન તરફ લીધી! ત્યાં પહોંચીને જુવે છે, તો દરિયા કિનારે જે બે છોકરાંવને એ શોધતો હતો, એ અહીં જ બેઠાં હતાં, અને એક દુકાનદાર એની પર ચોરીનો કેસ કરવાં આવ્યો હતો! તો બીજો એક ભલો માણસ કહેતો હતો કે એ ચોર નથી!
ઇન્સ્પેક્ટર રણદીપ સિંહ એ આખો મામલો સમજાવવાં કહ્યું, અને પેલો દુકાનદાર એકદમ જુસ્સામાં આવી ગયો, અને કહ્યું કે આ નિખાલસ દેખાતાં છોકરો મારી દુકાને આવ્યો અને દસની નોટ આપીને બિસ્કીટનું પેકેટ માગ્યું! બિસ્કીટ વિભાગમાં પેકેટ હતાં નહીં, એટલે હું અંદર લેવા ગયો, ત્યાં આ છોકરાએ મારાં રુપિયાનાં ખાનામાં હાથ નાખીને પાંચસો પાંચસોની જેટલી આવે એટલી નોટ હાથમાં લઈને ભાગવાં જતો હતો, ત્યાં જ હું આવી ગયો અને મેં રંગે હાથ પકડી લીધો. પેલા ભલા માણસે કહ્યું સાહેબ મારી ચા નો ગલ્લો છે, અને આ છોકરો ત્યાં કામ કરતો હતો, આમતો આટલી ઉંમરમાં શું કામ થાય!, પણ તોય રાત પડે એટલે હું એને રૂપિયા બસો આપતો હતો, અને બે ચાર બિસ્કીટ ના પેકેટ! પણ હમણાં બે દિવસ પહેલા એક પોલીસ જમાદાર આવ્યો, અને એણે કહ્યું કે કોઈક દિવસ અમારાં મોટા સાહેબની નજરે ચડીશ, તો બાળ મજૂરીનાં કેસમાં અંદર થઈ જઈશ! અને મેં એને પાંચસો રુપિયા આપ્યાં અને કહ્યું કે હવે કાલથી નહીં આવતો! રણદીપ સિંહની નજર એ છોકરાં પર પડી, અને કહ્યું કે બોલ આ સાચું છે? એણે કહ્યું કે એકદમ સાચું છે પણ મારી પાસે ચોરી કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો! આ મારી નાની બહેનનું ફ્રોક ફાટી ગયું છે, અને રસ્તે ચાલતાં બધાંની નજર એની પર પડે છે, અને હું નથી ઈચ્છતો કે મારી બહેન કાયમ આ હાલતમાં રહે! ઇન્સ્પેક્ટર રણદીપ સિંહ એ પુછ્યું કેમ તારાં મમ્મી પપ્પા ક્યાં છે? અને છોકરાની આંખમાં આંસું આવી ગયાં. એણે સ્વસ્થ થઈને કહ્યું કે એ બંને હવે આ દુનિયામાં નથી.
મારાં મમ્મી પપ્પા નું નામ સુગંધા બેન અને સૌમિલ ભાઈ હતું, અને એમને હું અને મારી બહેન એમ બે બાળકો હતાં! મારું નામ પુલકિત અને મારી બહેનનું નામ આરસી છે. એક દિવસ મારા મમ્મી પપ્પા ઓફિસેથી પાછા ફરતાં હતાં, ત્યાં કોઈ ગાડી જોરથી એમનાં સ્કૂટર સાથે ભટકાઈ અને એ બંને ફેંકાઈ ગયાં, અને બેયનું માથું રોડ સાથે પટકાયું એટલે ત્યાં જ અવસાન પામ્યા! અમે મિડલ ક્લાસ હતાં, એટલે પપ્પા આગળ કોઈ એવી સંપત્તિ નહોતી, અને ઘર પણ ભાડાનું જ હતું! એટલે નજીકનાં સ્વજનો અમને રાખવાં માંગતા નહોતા! અમને અનાથાશ્રમમાં મુકવાની વાત થતી હતી, ત્યાં કાકા આવ્યાં અને અમને રાખવાની બાંહેધરી આપી લઈ ગયા! પણ અમારું ભણવાનું છોડાવી નોકર જેમ ઘરકામ કરાવતાં હતાં! આ લોકોને તો મફતમાં નોકર મળી ગયાં! આપણે રાખવાની તૈયારી બતાવી હોત તો! અને આમ એક પછી એક બધાં સ્વજનોને ત્યાં રોકાયા! પરિસ્થિતિ આ જ હતી! ઉપરથી બધાં આરસી સામે ગંદી નજરે જોતા હતા! અને હું એને લઈ ત્યાંથી એક અઠવાડિયા પહેલાં ભાગી નીકળ્યો! કોઈવાર ઉભેલા ટ્રકમાં તો કોઈવાર લારીમાં એમ અમે સૂઈ રહેતાં. આજે સવારે લારીમાંથી ઉતરતા આરસીનું ફ્રોક ફાટી ગયું! સાહેબ આ કાકા બહુ સારાં છે! ઘરનાં એ જે આટલાં દિવસ બાળ મજૂરી કરાવી એની કરતાં ઘણું ઓછું કામ કરાવ્યું, અને પાછાં રુપિયા પણ આપ્યા! અને રોજ આઠ વાગ્યે છોડી દેતાં એટલે હું અને આરસી એકાદ લોજમાં જમી લેતા! તો બસ આટલી જ વાત છે! વાત સાંભળીને ફરિયાદ કરનારે પાંચસો પાંચસોની બે નોટ આપીને કહ્યું લે તારી બેન માટે એક નહીં બે ફ્રોક લઈ લેજે. ઇન્સ્પેક્ટર રણદીપ સિંહ એ વતનના ગામડે પોતાનાં નિઃસંતાન ભાઈ ભાભી પાસે બંને ભાઈ બહેનને મોકલી દીધાં! અને બંનેનું ભવિષ્ય સુધરી ગયું.
ઉંમરનો ગમે તે મુકામ હોય, ભાઈ બહેન કે બહેન બહેન વચ્ચેનાં સ્નેહનાં તાંતણા ક્યારેય તૂટતાં નથી, અને એને પ્રેમ જતાવવા આવાં બ્રધર્સ ડે ની જરૂર પડતી નથી. મા જણ્યા ભાંડરડાની પ્રીત જ અનોખી હોય છે, એનો પ્રેમ દરિયા જેવો છે પણ ઓટ ક્યારેય આવતી નથી! અને દરિયાઈ મોજા જેમ કાયમ ઉછળતો રહે છે.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

