Ahmedabad તા.૨૮
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. Ahmedabadના સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોટેરા વિસ્તારમાં ધોળા દિવસે એક યુવતીનું અપહરણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ક્રેટા કારમાં આવેલા ત્રણ યુવકો અને એક યુવતી સહિત ચાર લોકોએ ઘરમાં ઘૂસીને સાસુની હાજરીમાં જ વહુનું અપહરણ કરી લીધું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેના આધારે સાબરમતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોટેરા વિસ્તારમાં આવેલા ભીલવાસમાં રહેતા શારદાબેન નાઈએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. તેમના પુત્ર કમલેશના લગ્ન રાજસ્થાનની કોમલ નામની યુવતી સાથે થયા હતા. ગઈકાલે કમલેશ નોકરી પર ગયો હતો અને ઘરમાં માત્ર કોમલ અને તેના સાસુ શારદાબેન જ હાજર હતા. બપોરના સમયે કોમલ ઘરમાં ખાટલા પર સૂતી હતી, ત્યારે અચાનક ઘરની બહાર એક ક્રેટા કાર આવીને ઊભી રહી હતી. કારમાંથી ત્રણ યુવકો અને એક યુવતી નીચે ઊતરીને સીધા ઘરમાં ઘૂસી ગયા હતા. કોમલ કંઈ સમજે તે પહેલાં જ આ ચારેય જણાએ તેને જબરદસ્તી પકડી લીધી હતી. કોમલ સતત બૂમાબૂમ કરતી રહી અને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતી રહી, પરંતુ અપહરણકર્તાઓ તેને નિર્દયતાથી ખેંચીને કારમાં બેસાડીને ફરાર થઈ ગયા હતા. જ્યારે સાસુ શારદાબેન પોતાની વહુને બચાવવા માટે વચ્ચે પડ્યા, ત્યારે અપહરણકર્તાઓએ તેમને જોરદાર ધક્કો મારી દીધો હતો. આરોપીઓએ સાસુને ધમકી આપતા કહ્યું હતું કે “તમે અમારી વચ્ચે નહીં આવતાં.” આ ઘટના એટલી ઝડપે બની કે આસપાસના લોકો એકઠા થાય તે પહેલાં જ આરોપીઓ કાર લઈને રફુચક્કર થઈ ગયા હતા. શારદાબેન નાઈએ જણાવ્યું હતું કે મારા ઘરમાંથી મારી સામે જ મારી વહુનું અપહરણ કરવામાં આવ્યું છે. ચાર શખ્સોએ ભેગા મળીને આ કૃત્ય કર્યું છે. અમારે તો બસ અમારી વહુ જોઈએ છે, પોલીસ અમને તે પરત અપાવે. પરિવારના જણાવ્યા અનુસાર, કોમલના અગાઉ બંટી નામના યુવક સાથે લગ્ન થયા હતા, પરંતુ મનમેળ ન બેસતા બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. જોકે, લગ્ન પહેલાંથી જ કોમલને ગેવર ગુર્જન નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. કમલેશ સાથે લગ્ન થયા બાદ પણ ગેવર સતત કોમલને ફોન કરીને કે અન્ય રીતે હેરાન-પરેશાન કરતો હતો. પ્રાથમિક તપાસમાં આ અપહરણ પાછળ પૂર્વ પ્રેમી ગેવર ગુર્જનનો જ હાથ હોવાની પ્રબળ આશંકા વર્તાઈ રહી છે.
આશ્ચર્યની વાત એ છે કે ગઈકાલ સાંજ સુધી સાબરમતી પોલીસ આટલી મોટી ઘટનાથી બિલકુલ અજાણ હતી. જોકે, બાદમાં પરિવારે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસ પ્રેમ સંબંધ, જૂની અદાવત અને જબરદસ્તી યુવતીને ઉઠાવી જવાના તમામ એંગલથી તપાસ કરી રહી છે. તેમજ સીસીટીવી ફૂટેજના આધારે ક્રેટા કાર અને આરોપીઓનું લોકેશન ટ્રેસ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

