રૂપિયા ૧૦-૨૦ ની નોટો અને રૂ. ૧, ૨, ૫ ના સિક્કાઓ માટે એસબીઆઈ સમક્ષ વેપારીઓની ઉગ્ર માંગ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૯
Amreli જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી રૂપિયા ૧૦ અને રૂપિયા ૨૦ ની નોટો સાથે હવે રૂપિયા ૧,૨ અને ૫ ના સિક્કાઓની ભારે તંગી સર્જાતા નાના-મોટા તમામ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રોજિંદા વેપાર દરમિયાન ગ્રાહકોને પરચુરણ આપવામાં મુશ્કેલીઓ ઉભી થતાં વેપારીઓમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
ત્યારે બાબરા શહેરના અગ્રણી વેપારી દીપકભાઈ પડીયા, અલીભાઈ સહિતના વેપારીઓએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) દ્વારા વેપારીઓને જરૂરિયાત મુજબ રૂપિયા દસ-વીસની નોટો તેમજ પરચુરણનું નિયમિત વિતરણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠાવી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર હાલ જિલ્લામાં પૂરતા પ્રમાણમાં પરચુરણ અને નાની ચલણી નોટ ઉપલબ્ધ ન હોવાથી રોજિંદા લેવડદેવડમાં ભારે અવરોધ ઉભા થઈ રહ્યા છે.
વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ સમયાંતરે એસબીઆઈ બેંક દ્વારા વેપારીઓના હિતમાં દસ-વીસની નોટો તથા સિક્કાઓનું વિતરણ કરવામાં આવતું હતું, જેના કારણે બજારમાં નાણાંની લેવડદેવડ સરળ બનતી અને વેપારીઓને મોટી રાહત મળતી હતી.પરંતુ હાલમાં આવી વ્યવસ્થા બંધ જેવી બનતાં વેપારીઓને ગ્રાહકો સામે શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિક વેપારીઓએ બેંક તંત્રને શહેરના વેપાર હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે પરચુરણ વિતરણ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવા અપીલ કરી છે. વેપારીઓમાં એવી પણ ચર્ચા છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં બજારમાં વ્યવહાર પ્રણાલી વધુ પ્રભાવિત થઈ શકે છે.

