Amreli,તા.૧૨
Amreli જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે મોડી રાત્રે બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ સર્જ્યો છે. ગામની સીમમાં આવેલી એક વાડીમાં સિંહણના હુમલામાં ૭ વર્ષીય બાળકનું કરુણ મોત નીપજતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, પરપ્રાંતીય પરિવારનું બાળક વાડી વિસ્તારમાં હાજર હતું ત્યારે અચાનક એક સિંહણે તેના પર હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે બાળકને બચાવવાની તક મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બાળકના મોતના સમાચાર ગામમાં ફેલાતા જ ભારે આક્રોશનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ વન્ય પ્રાણીઓના વધતા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને વન વિભાગ સામે રોષ ઠાલવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી માનવ વસાહતોની નજીક સિંહોની અવરજવર વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ, છઝ્રહ્લ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ હુમલો કરનાર સિંહણને શોધી પકડવા માટે વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે.
વન વિભાગના સૂત્રો મુજબ હુમલો કરનાર સિંહણ સાથે સિંહબાળ હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે તે વધુ આક્રમક બની હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ વન વિભાગ દ્વારા વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સ્થાનિક લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર માનવ અને વન્યજીવ વચ્ચે વધતા સંઘર્ષના મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. ગ્રામજનો દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.

