Junagadh તા. ૧૨
જુદી જુદી સરકારી સેવાઓનો લાભ નજીકના સ્થળે જ મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા પંચાયતની બેઠકવાર એટલે કે, જિલ્લામાં કુલ ૩૦ જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેશોદ તાલુકામાં જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે ૪ જેટલી જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
કેશોદ તાલુકામાં જનકલ્યાણ શિબિરનું તા. ૧૫ના રોજ મેસવાણ ગામની પ્રાથમિક શાળા, તા.૧૬ના રોજ અજાબ ગામની કન્યા શાળા, તા.૧૭ના રોજ ચાંદીગઢ ગામે મેર સમાજ અને તા.૧૯ના રોજ બાલાગામ ગામે પટેલ સમાજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ જનકલ્યાણ શિબિરનો આસપાસના ગામના નાગરિકોને પણ લાભ લેવા માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે.
આ જન કલ્યાણ શિબિરોના માધ્યમથી જુદી જુદી પ્રજાલક્ષી સેવાઓને આવરી લેવામાં આવી છે, જેમાં મુખ્યત્વે આવક અને જાતિના પ્રમાણપત્રો, ઇડબલ્યુએસ, નોન ક્રિમિલિયર, ડોમીસાઈલ સર્ટિફિકેટ, રેશનકાર્ડ સંબંધિત નવા રેશનકાર્ડમાં નામ ઉમેરવું, કમીકરણ કરવું, સુધારા કરવા વગેરે, નવું આધાર કાર્ડ કઢાવવું અથવા તેમાં આવશ્યક સુધારા કરાવવા, આયુષ્માન ભારત કાર્ડ, જન્મ મરણ અને લગ્નના નોંધણીના પ્રમાણપત્રો, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ આર્થિક સહાય માટેની જુદી જુદી યોજનાઓ, કુંવરબાઈનું મામેરુ તથા માનવ ગરીમા યોજના વગેરે યોજનાઓ માટે અરજીઓ કરી શકાશે. ઉપરાંત ખેતીવાડી, પશુપાલન સહિતના વિભાગની જુદી જુદી યોજનાઓ માટે પણ અરજી સ્થાનિક કક્ષાએથી કરી શકશે.

