જમીન પડાવી લેતા વાયરલ વીડિયો બાદ ૪ સામે ગુનો દાખલ
(જીજ્ઞેશ પટેલ દ્વારા)
Manavadar તા.૨૯
ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવાના દાવાઓ વચ્ચે Manavadar પંથકમાંથી વ્યાજખોરીના દૂષણનો એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. Manavadar તાલુકાના નાનડીયા ગામે વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસ, પઠાણી ઉઘરાણી અને દબાણપૂર્વક લાખો રૂપિયાની કિંમતી જમીન પોતાના નામે લખાવી લેવાની પ્રવૃત્તિથી કંટાળીને એક ૩૦ વર્ષીય આશાસ્પદ યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, પરંતુ ત્યારબાદ સોશિયલ મીડિયામાં યુવકનો એક વીડિયો વાયરલ થતાં અને મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ચાર વ્યાજખોરો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કાળઝાળ ઘટનાની વિગત એવી છે કે નાનડીયા ગામે રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધ ગોરધનભાઇ માધાભાઇ આરદેશણાના ૩૦ વર્ષના દીકરા ગુંજન ઉર્ફે મેરકાને ખેતીના કામકાજ માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. આ જરૂરિયાત પૂરી કરવા માટે તેણે બાંટવા ગામના કરશનભાઇ રબારી અને ગગાભાઇ ઉર્ફે રાજુભાઇ રબારી પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ગુંજને આ રકમનું વ્યાજ નિયમિત ચૂકવી દીધું હોવા છતાં, બંને વ્યાજખોરોની દાનત બગડી હતી અને તેમણે વ્યાજનું વ્યાજ ચઢાવીને પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી હતી. આ વ્યાજખોરોએ પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ફરિયાદીની માલિકીની લાખો રૂપિયાની કિંમતી ખેતીની જમીનનો દસ્તાવેજ પણ બળજબરીપૂર્વક પોતાના નામે કરાવી લીધો હતો.
વ્યાજના આ માયાવી ચક્રવ્યૂહમાં ગુંજન ચારેય તરફથી એવો ફસાયો હતો કે તેના માટે નીકળવાનો કોઈ માર્ગ બચ્યો નહોતો. નાનડીયા ગામના જ અન્ય એક વ્યાજખોર વિરેન્દ્રભાઇ જમનાદાસ વિરોજા પાસેથી લીધેલા નાણાંનું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, તેણે ગુંજનને વધુ આર્થિક નુકસાન પહોંચાડવા અને ફસાવવા માટે કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ઠોકી દીધો હતો. આ ઉપરાંત, પ્રવિણભાઇ નામના અન્ય એક શખ્સે આપેલા ૬ લાખ રૂપિયાનું વ્યાજ વસૂલ્યા પછી પણ, વધુ પૈસા પડાવવાના બદઇરાદાથી ગુંજનના મોબાઈલ ફોન પર વોટ્સએપ મેસેજ કરીને ગંદી ગાળો આપી અસહ્ય માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, જેના કારણે યુવક માનસિક રીતે સંપૂર્ણ ભાંગી પડ્યો હતો.
આબરૂ જવાના ડર અને વ્યાજખોરોના સતત ત્રાસથી કંટાળી ગયેલા ગુંજને ત્રણ દિવસ પહેલાં પોતાની વાડીએ જઈને ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું. આત્મહત્યા કરતા પહેલાં યુવકે પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો બનાવ્યો હતો.
જે આ વીડિયોમાં મૃતક યુવકે ધ્રુજતા અવાજે પોતાની આપવીતી જણાવતા કહ્યું છે કે, ‘‘હું દવા પી છું ,બાંટવા વાળા કરસનભાઈ અને ગગાએ ખાલી પાંચ લાખ રૂપિયા મને વ્યાજે આપી મારી જમીનનો દસ્તાવેજ કરી લીધેલો છે. તેને મારી જમીન વેચાતી નહીં પરંતુ ખાલી પાંચ લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. એમાં મારી જમીનનો દસ્તાવેજ ગઈ ૨૧ તારીખે કરી લીધો છે.
આ ઘટના બાદ મૃતકના પિતાની સત્તાવાર ફરિયાદના આધારે માણાવદર પોલીસે ચારેય આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮ (આત્મહત્યા માટે મજબૂર કરવી), ૩૦૮(૪) (ખંડણી), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર ચકચારી કેસની આગળની કાયદેસરની તપાસ માણાવદરના પીઆઇ જે.બી. પટેલ અને ડી.કે. ઝાલા દ્વારા ચલાવવામાં આવી રહી છે.

