(સલીમ પતાણી દ્વારા)
Kotda Sangani તા.01
કોટડાસાંગાણી તાલુકાના જુની ખોખરી ગામથી દેવડીયા સુધીના માર્ગના નવીનીકરણ માટે ગ્રામજનો દ્વારા ઘણા લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી. સ્થાનિક લોકોની આ મુશ્કેલીને વાચા આપી, વિસ્તારના MLA Bhanuben Babaria દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસોના પરિણામે આ રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું, જેનું આજે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ અંતર્ગત જુની ખોખરીથી દેવડીયા સુધીનો અંદાજિત ૭ કિલોમીટર લાંબો રોડ નવો બનાવવામાં આવશે. આ અત્યાધુનિક માર્ગના નિર્માણ પાછળ અંદાજે ૨ કરોડ ૩૭ લાખનો ખર્ચ કરવામાં આવશે. આ રોડ તૈયાર થવાથી ગ્રામજનોની વર્ષો જૂની માંગણી સંતોષાતા વિસ્તારના લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી.
આ ખાતમુહૂર્ત સમારોહમાં રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનભાઈ ખાટરીયા, તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિપાલસિંહ જાડેજા, જગદીશભાઈ બઉ, તાલુકા ભાજપના પ્રમુખ જતિનભાઈ સીદપરા, ખોખરી ગામના સરપંચ લાલભાઈ ગમારા, સુરેશભાઈ લુણાંગડીયા અને બબાભાઈ સાવલીયા સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ધારાસભ્યશ્રીના સહયોગને બિરદાવી નવા રોડના કામનો આનંદ વ્યક્ત કર્યો હતો.

