Mullanpur,તા.04
સૂર્યકુમાર યાદવને ભારતની ટી-20 ટીમની કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવી શકે છે. બ્રિટન પ્રવાસ માટે ટીમની પસંદગી થાય તે પહેલા જ આ અંગે સર્વોચ્ચ પરિષદને જાણ કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, કેપ્ટનશીપની પસંદગી એટલી સરળ નથી.
મુખ્ય દાવેદાર
શ્રેયસ અય્યર અને તિલક વર્મા ભારતીય ટી-20 ટીમનાં કેપ્ટન તરીકે સૂર્યકુમારની જગ્યા લેવા માટે સૌથી મોટા દાવેદાર તરીકે ઉભરી આવ્યાં છે. આશા છે કે બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયા સર્વોચ્ચ પરિષદને આ અંગે માહિતી આપશે કે સૂર્યકુમારને હટાવવાના મામલામાં રાષ્ટ્રીય પસંદગી સમિતિ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર એકમત છે કે નહીં.
એ વાત સ્પષ્ટ છે કે જો સૂર્યકુમારને હટાવવામાં આવશે, તો લગભગ 18 મહિના સુધી સારું પ્રદર્શન ન કરી શકવાને કારણે તેમને ટીમમાં એક ખેલાડી તરીકે પણ રાખવામાં આવશે નહીં.
કડક નિર્ણય જરૂરી
એક સૂત્રએ બુધવારે જણાવ્યું કે, પસંદગીકારો આઈપીએલના અંત સુધી રાહ જોવા માંગતાં હતાં જેથી તેઓ જોઈ શકે કે તે પોતાની જૂની લયમાં પાછા આવી શકે છે કે નહીં. પરંતુ તેઓ સંપૂર્ણપણે ફોર્મની બહાર દેખાયાં. તેઓ રન તો નહોતાં જ બનાવી રહ્યાં, પરંતુ તેમની બેટિંગમાં પણ એ ધાર દેખાતી નહોતી. તેથી કડક નિર્ણય લેવો જરૂરી છે.
ટીમ ઈન્ડિયાએ ગરમીમાં પ્રેક્ટિસ કરી
મુલ્લાંપુર : ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા સહિત ટીમ ઈન્ડિયાના ઘણાં ખેલાડીઓએ અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ પહેલાં બુધવારે ભારે ગરમી હોવા છતાં જોરદાર પ્રેક્ટિસ કરી હતી. 16 જૂનથી શરૂ થનારી આ ટેસ્ટ મેચ બાદ બંને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે.
ધગધગતા તડકામાં સિરાજની શાનદાર બોલિંગથી એ સ્પષ્ટ થઈ ગયું કે આ સિનિયર ફાસ્ટ બોલરની ફિટનેસને લઈને કોઈ ચિંતા નથી. પ્રેક્ટિસ સેશન દરમિયાન છ ફૂટ પાંચ ઈંચ લાંબા જમણાં હાથનાં ફાસ્ટ બોલર ગુરનૂર બરારડે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમણે સારી લેન્થથી ઝડપી બાઉન્સ મેળવ્યો હતો.
ઓછામાં ઓછી બે તકો પર તેમનો બોલ રાહુલના બેટની બહારની કિનારી લઈને પાછળ ગયો હતો. રાહુલ ટેકનિકલ રીતે ખૂબ જ કુશળ દેખાતા હતા. જમ્મુ-કાશ્મીરના બોલર આકિબ નબી ડારે બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. બીજી તરફ હર્ષ દુબે અને ડાબા હાથના સ્પિનર માનવ સુથારે નજીક-નજીકના નેટ્સમાં બોલિંગ કરી હતી. આ દરમિયાન હર્ષ દુબેએ બેટિંગ પણ કરી હતી.

