Kathmandu, તા.5
માઉન્ટ એવરેસ્ટ પર આ અઠવાડિયે એક અકલ્પનીય ચમત્કારિક ઘટના સામે આવી છે, જ્યાં 6 દિવસથી અન્ન, જળ કે પૂરતાં ઓક્સિજન વગર ગુમ થયેલાં 52 વર્ષીય નેપાળી શેરપા ગાઇડ દવા શેરપાને જીવતાં શોધી કાઢવામાં આવ્યાં છે.
તેઓ એક પોલિશ પર્વતારોહક સાથે એવરેસ્ટ શિખર સર કરવા નીકળ્યાં હતાં, પરંતુ સફળતા ન મળતાં પાછા ફરતી વખતે કેમ્પ-3 અને કેમ્પ-4 ની વચ્ચેથી 29 મેના રોજ ગુમ થઈ ગયાં હતાં.
સિઝન પૂરી થવાનાં કારણે પહાડ પરથી દોરડા અને સીડીઓ હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ હોવાથી, શરૂઆતની શોધખોળ નિષ્ફળ જતાં પરિવારે તેઓ જીવતાં હશે તેવી આશા છોડી દીધી હતી અને પરંપરાગત રીતે તેમનાં અંતિમ સંસ્કારની વિધિઓ પણ શરૂ કરી દીધી હતી.
આ આશ્ચર્યજનક વળાંક ત્યારે આવ્યો જ્યારે પર્વતારોહણની સિઝન પૂરી થયા પછી ત્યાં છોડેલો કચરો અને દોરડા હટાવવાનું કામ કરી રહેલી એક સફાઈ કામદારોની ટીમે અત્યંત જોખમી `ખુમ્બુ આઇસફોલ’ ની ઉપર એક વ્યક્તિને બરફમાં સંઘર્ષ કરતી જોઈ. નજીક જઈને જોતાં જ ક્લાઈમ્બિંગ જેકેટ પહેરેલી એ વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ ગુમ થયેલા દવા શેરપા જ હતા.
તેઓ જ્યાંથી ગુમ થયા હતા અને જ્યાંથી મળી આવ્યા, તે અંતર પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ માઉન્ટ એવરેસ્ટના કઠોર વાતાવરણમાં એકલા જ પહાડનો એક મોટો હિસ્સો જાતે પાર કરીને નીચે સુધી આવ્યાં હતાં.
અત્યંત થાકેલા અને અતિશય ઠંડીના કારણે અંગો જામી જવાની એટલે કે ફ્રોસ્ટબાઈટની સમસ્યાથી પીડાતાં દવા શેરપાને તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે કાઠમંડુની હેમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
તેમની પુત્રી મેન્દો લહામુ શેરપાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “તેમણે મને ઓળખી લીધી છે અને તેઓ બોલી શકે છે.” સત્તાવાળાઓ અને હાઇકિંગ કંપનીઓએ આ ઘટનાને એક અદ્ભુત ચમત્કાર ગણાવ્યો છે. આ બચાવ કામગીરી એવરેસ્ટની અત્યાર સુધીની સૌથી વ્યસ્ત પર્વતારોહણ સિઝનના અંતે થઈ છે.

